Breaking News : ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 200 T20I મેચ રમનારી વિશ્વની પ્રથમ ક્રિકેટર બની
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે 200 T20I મેચ રમીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તે આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વની પ્રથમ ક્રિકેટર બની છે.

Harmanpreet Kaur 200th T20I: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે વિશ્વ ક્રિકેટમાં એક અનોખો અને ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026માં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી મેચ દરમિયાન ટોસ માટે મેદાનમાં ઉતરતા જ હરમનપ્રીત 200 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમનારી વિશ્વની પ્રથમ ક્રિકેટર બની ગઈ. આ સિદ્ધિ અત્યાર સુધી કોઈપણ પુરુષ કે મહિલા ક્રિકેટર હાંસલ કરી શક્યો નથી.

માન્ચેસ્ટરના ઐતિહાસિક ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાયેલી આ મેચ હરમનપ્રીત કૌરની કારકિર્દી માટે ખાસ યાદગાર બની રહી. લગભગ 17 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત સક્રિય રહેલી હરમનપ્રીતે પોતાની પ્રતિભા, મહેનત અને ફિટનેસના બળે આ ઐતિહાસિક મુકામ હાંસલ કર્યો છે.

હરમનપ્રીત કૌરની T20 આંતરરાષ્ટ્રીય સફરની શરૂઆત વર્ષ 2009માં ઇંગ્લેન્ડમાં યોજાયેલા મહિલા T20 વર્લ્ડ કપથી થઈ હતી. રસપ્રદ વાત એ છે કે 17 વર્ષ બાદ, તે જ ઇંગ્લેન્ડની ધરતી પર યોજાઈ રહેલી ટૂર્નામેન્ટની 10મી આવૃત્તિ દરમિયાન તેણે પોતાની 200મી T20I મેચ રમી અને વિશ્વ ક્રિકેટના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવ્યું.

હરમનપ્રીતની કેપ્ટનશીપ હેઠળ ભારતીય મહિલા ટીમ છેલ્લા કેટલાક સમયથી શાનદાર પ્રદર્શન કરી રહી છે. માત્ર આઠ મહિના પહેલાં તેની આગેવાનીમાં ભારતે પ્રથમ વખત મહિલા ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. હવે હરમનપ્રીતનું આગામી લક્ષ્ય ભારતને મહિલા T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવવાનું છે.

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઈન્ડિયાએ પણ જોરદાર શરૂઆત કરી છે. ભારતીય ટીમે પોતાની પ્રથમ બે મેચમાં જીત મેળવી છે અને હવે દક્ષિણ આફ્રિકા સામેની મેચ જીતીને જીતની હેટ્રિક નોંધાવવાનો પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં હરમનપ્રીતનો આ ઐતિહાસિક રેકોર્ડ ટીમ માટે વધુ આત્મવિશ્વાસ વધારનારો સાબિત થઈ શકે છે.
