Credit Card: વિદેશમાં ક્રેડિટ-ડેબિટ કાર્ડનો ઉપયોગ થશે મોંઘો, Axis Bank અને Kotak Mahindra Bankએ વધારી DCC ફી
વિદેશમાં ખરીદી અથવા ઓનલાઈન આંતરરાષ્ટ્રીય પેમેન્ટ કરતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર. Axis Bank, Kotak Mahindra Bank અને અગાઉ ICICI Bankએ પણ ડાયનેમિક કરન્સી કન્વર્ઝન (DCC) ચાર્જમાં વધારો કર્યો છે. જાણો નવા નિયમો અને તેની અસર.

વિદેશ પ્રવાસ, અભ્યાસ અથવા બિઝનેસ માટે જતા લોકો માટે મહત્વના સમાચાર છે. જો તમે વિદેશમાં ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા ખરીદી કરો છો અને પેમેન્ટ ભારતીય રૂપિયામાં (INR) કરવાનું પસંદ કરો છો, તો હવે તમારે પહેલા કરતાં વધુ ચાર્જ ચૂકવવો પડી શકે છે.

દેશની અગ્રણી ખાનગી બેંકો Axis Bank અને Kotak Mahindra Bankએ ડાયનેમિક કરન્સી કન્વર્ઝન (Dynamic Currency Conversion-DCC) સંબંધિત ફીમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ પહેલાં ICICI Bank પણ પોતાના ડેબિટ કાર્ડ માટે DCC ચાર્જ વધારી ચૂક્યું છે.

Axis Bank દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો અનુસાર, 28 ઓગસ્ટ, 2026થી MyZone, Select, Privilege અને Neo ક્રેડિટ કાર્ડ પર DCC ચાર્જ 1.5 ટકાથી વધારીને 3.5 ટકા કરવામાં આવશે. જ્યારે Magnus અને Magnus for Burgundy કાર્ડ પર આ ચાર્જ 2 ટકા રહેશે. Olympus ક્રેડિટ કાર્ડ ધારકો માટે DCC ચાર્જ 1.8 ટકા નક્કી કરવામાં આવ્યો છે.

બીજી તરફ Kotak Mahindra Bank 1 ઓગસ્ટ, 2026થી પોતાના ડેબિટ કાર્ડ પર લાગતા DCC ચાર્જમાં મોટો વધારો કરી રહી છે. અત્યાર સુધી ગ્રાહકો પાસેથી 1 ટકા સાથે GST વસૂલવામાં આવતો હતો, પરંતુ નવા નિયમો લાગુ થયા બાદ આ ચાર્જ 3.5 ટકા સાથે GST થઈ જશે. નોંધનીય છે કે ICICI Bankએ પણ 21 જૂનથી તમામ ડેબિટ કાર્ડ માટે DCC ચાર્જ 1 ટકાથી વધારીને 3.5 ટકા સાથે GST કરી દીધો છે.

શું છે DCC? ડાયનેમિક કરન્સી કન્વર્ઝન (DCC) એવી સુવિધા છે જેમાં વિદેશમાં ખરીદી કરતી વખતે ગ્રાહકને સ્થાનિક ચલણના બદલે ભારતીય રૂપિયામાં જ પેમેન્ટ કરવાની પસંદગી આપવામાં આવે છે. ઘણી વખત ગ્રાહકોને લાગે છે કે રૂપિયામાં બિલ દેખાતું હોવાથી ખર્ચ અંગે સ્પષ્ટતા રહે છે, પરંતુ આ સુવિધા માટે વધારાની ફી પણ ચૂકવવી પડે છે.

જો ગ્રાહક સ્થાનિક ચલણને બદલે ભારતીય રૂપિયામાં પેમેન્ટ પસંદ કરે છે, તો કરન્સી કન્વર્ઝનનું કામ વિદેશી વેપારી અથવા તેના પેમેન્ટ પ્રોસેસર દ્વારા કરવામાં આવે છે. આ દરમિયાન નક્કી કરવામાં આવતો એક્સચેન્જ રેટ ઘણી વખત સામાન્ય બેંકિંગ રેટ કરતાં મોંઘો હોઈ શકે છે. તેના ઉપર DCC ફી અને GST પણ ઉમેરાય છે, જેના કારણે કુલ ખર્ચ વધી જાય છે.

બેંકો ચાર્જ કેમ વધારી રહી છે? બેંકો દ્વારા આ નિર્ણય પાછળનું સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, બેંકિંગ ક્ષેત્રના જાણકારોનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય કાર્ડ ટ્રાન્ઝેક્શન દરમિયાન કાર્ડ નેટવર્ક, કરન્સી કન્વર્ઝન અને ક્રોસ-બોર્ડર પ્રોસેસિંગનો ખર્ચ સતત વધી રહ્યો છે. આ ખર્ચની ભરપાઈ કરવા ઉપરાંત વિદેશ પ્રવાસ, આંતરરાષ્ટ્રીય ઈ-કોમર્સ અને વિદેશમાં નોંધાયેલા ડિજિટલ પ્લેટફોર્મ પર વધતા ટ્રાન્ઝેક્શનને ધ્યાનમાં રાખીને બેંકો ફી આવકમાં વધારો કરવા માંગે છે.

ગ્રાહકોએ શું ધ્યાન રાખવું? જો તમે વિદેશમાં ખરીદી કરો છો અથવા આંતરરાષ્ટ્રીય વેબસાઇટ પર નિયમિત પેમેન્ટ કરો છો, તો ટ્રાન્ઝેક્શન પહેલાં સ્ક્રીન પર દર્શાવવામાં આવતા પેમેન્ટ વિકલ્પોને ધ્યાનથી વાંચવા જરૂરી છે.

શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક ચલણમાં પેમેન્ટ કરવાથી કેટલીક પરિસ્થિતિમાં વધારાના DCC ચાર્જથી બચી શકાય છે. સાથે જ, તમારા કાર્ડ પર લાગતા ફોરેક્સ માર્કઅપ, DCC ફી અને અન્ય આંતરરાષ્ટ્રીય ચાર્જ વિશે અગાઉથી માહિતી મેળવી લેવી પણ યોગ્ય રહેશે.

નવા નિયમો બાદ વિદેશ પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ, બિઝનેસમેન તેમજ આંતરરાષ્ટ્રીય ઓનલાઈન ખરીદી કરનારા ગ્રાહકો માટે કાર્ડનો ઉપયોગ અગાઉ કરતાં વધુ ખર્ચાળ બની શકે છે. તેથી પેમેન્ટ કરતા પહેલાં તમામ ચાર્જ અને શરતો સમજવી વધુ જરૂરી બની ગઈ છે. (All Image Credit Source: Social Media)
આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારે આવ્યો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંદુ અમદાવાદ મેઇનલેન્ડથી 29 કિમી દૂર નોંધાયું
