શામળાજી મહોત્સવમાં કીર્તિદાન ગઢવીએ ધૂમ મચાવી, મંદિર પરિસરમાં 2 દિવસીય કાર્યક્રમ
અરવલ્લી જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ શામળાજી મંદિર ખાતે શામળાજી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. શનિવારે જાણીતા લોકસાહિત્યકાર કીર્તિદાન ગઢવી ભજન અને લોકસાહિત્યની વાતો વડે શ્રોતાઓને મોજ કરાવી હતી. શામળાજી મંદિરના સુંદર પરિસરમાં સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

શામળાજી મહોત્સવ 2023ની ઉજવણી કરવામાં આવી રહી છે. શામળાજી મંદિરના સુંદર પરિસરમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ જિલ્લા પ્રશાસન દ્વારા શામળાજી મહોત્સવનુ આયોજન કરાવામાં આવ્યુ છે.

શનિવારની સંધ્યાએ પ્રસિદ્ધ લોકગાયક અને લોકસાહિત્યકાર કીર્તિદાન ગઢવીએ મોજ કરાવી હતી. સુંદર ભજનોનુ રસપાન કરવા સાથે લોકસ સાહિત્યની વાતો વડે શ્રોતાઓને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.

શામળાજી મહોત્સવને લઈ પ્રતિવર્ષ મોટી સંખ્યામાં સ્થાનિક અને જિલ્લાના લોકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહેતા હોય છે. આ માટે સ્થાનિક લોકકલા સહિત પ્રસિદ્ધ કલાકારો તેમાં હિસ્સો લેતા હોય છે.

રવિવારે એટલે કે મહોત્સવના બીજા દિવસે પ્રસિધ્ધ લોકકલાકાર અનિરુદ્ધ આહીર ઉપસ્થિત રહેશે. જે પોતાના કંઠ વડે સુંદર ભજન અને લોક સંગીત વડે મંત્રમુગ્ધ કરશે.

મહોત્સવના બીજા દિવસે રવિવારે પણ મોટી સંખ્યામાં શામળાજી મંદિર પરિસરમાં શ્રોતાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે.

દેવગદાધાર શામળિયાળા ભગવાનની શ્રી વિષ્ણુ સ્વરૂપની ચતુર્ભુજ ભવ્ય મનોહર મૂર્તિ શામળાજી મંદિરમાં બિરાજમાન છે. જેના દર્શન થતાં જ ભગવાન પ્રત્યે અનુરાગ જાગે અને મૂર્તિ આગળથી ખસવાનું મન ન થાય. નમ્ર ભાવે આનંદવિભોર બનીને અહીં પરમાત્માના શ્યામલ સ્વરૂપના સાક્ષાત્કારની અનુભૂતિ થાય છે. શામળાજી મંદિરની વાત કરીએ તો મંદિરની ઇમારત પર શિલ્પો ખૂબજ સુંદર રીતે કંડારાયેલા છે. શામળાજીનો વિકાસ કરીને મંદિર પરિસરને સુંદર નિર્માણ કરવામાં આવ્યો છે.

































































