Gold : ધનતેરસના દિવસે સોનાનો ભંડાર પહેલી વાર 100 અબજ ડોલરને પાર ! જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં RBI એ કેટલા ટન સોનું ખરીદ્યું ?
ગઇકાલના રોજ એટલે કે 18 ઓક્ટોબરને શનિવારના રોજ ધનતેરસના દિવસે સોનાના ભાવમાં ગજબનો ઉછાળો જોવા મળ્યો છે. એવામાં વધુ એક સારા સમાચાર ધનતેરસના દિવસે બહાર આવ્યા છે.

ભારતના 'સોના ભંડારે' પહેલી વાર ઐતિહાસિક 100 અબજ ડોલરનો આંકડો પાર કર્યો છે. આરબીઆઈના ડેટા અનુસાર, આની કુલ કિંમત 102.365 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં વધારાને કારણે Foreign Exchange Reservesમાં સોનાનો હિસ્સો 14.7 ટકા થયો છે, જે વર્ષ 1996-97 પછીનો સૌથી વધુ છે.

રોઇટર્સના અહેવાલ મુજબ, ભારતના કુલ Foreign Exchange Reservesમાં સોનાનો હિસ્સો હવે 14.7 ટકા થયો છે, જે વર્ષ 1996-97 પછીનો સૌથી વધુ છે. છેલ્લા 10 વર્ષમાં, આ હિસ્સો 7 ટકાથી વધીને લગભગ 15 ટકા થયો છે. આનું કારણ RBI દ્વારા સોનાની ખરીદી અને વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં તીવ્ર વધારો છે, તેવું માનવામાં આવી રહ્યું છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર, RBI એ વર્ષ 2025 ના 9 મહિનામાંથી માત્ર 4 મહિનામાં સોનું ખરીદ્યું છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં, ફક્ત 4 ટન જ ખરીદવામાં આવ્યું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 50 ટન જેટલું હતું. એવામાં સોનાના ભાવમાં વધારાને કારણે રિઝર્વમાં સોનાનું મૂલ્ય વધ્યું છે.

વર્ષ 2025 માં સોનાના ભાવમાં આશરે 65% નો વધારો થયો છે. સોનાના ભાવમાં આ વધારાથી ભારતના રિઝર્વમાં તેનો હિસ્સો વધ્યો છે. વિશ્વભરની કેન્દ્રીય બેંકો તેમના ભંડારમાં વિવિધતા લાવવા માટે સોનું ખરીદી રહી છે. આ ખરીદી ખાસ કરીને યુએસ ડોલર પરની નિર્ભરતા ઘટાડવા અને જિયો-પોલિટિકલ અનિશ્ચિતતાઓ તથા પ્રતિબંધોથી બચવા માટે કરવામાં આવી રહી છે.

વધતા વૈશ્વિક તણાવ, કરન્સીમાં વધઘટ અને સુરક્ષિત રોકાણની વધતી માંગને કારણે રોકાણકારો સોનાની તરફ વળ્યા છે. ગયા વર્ષે સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતો માને છે કે, વર્ષ 2026 માં સોનાના ભાવ વધુ વધી શકે છે.

17 ઓક્ટોબર, 2024 ના રોજ 10 ગ્રામ 24-કેરેટ સોનું ₹76,250 ના ભાવે મળી રહ્યું હતું, જ્યારે 22-કેરેટ સોનાની કિંમત ₹71,583 અને 18-કેરેટ સોનાની કિંમત ₹58,555 હતી. જો કે, 17 ઓક્ટોબર, 2025 સુધીમાં 24-કેરેટ સોનાની કિંમત ₹1,32,770, 22-કેરેટ સોનાની કિંમત ₹1,21,700 અને 18-કેરેટ સોનાની કિંમત ₹99,580 થઈ ગઈ હતી.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
