Loksabha Election 2024 : અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસે રોહન ગુપ્તાને ઉતાર્યા મેદાને, જાણો કેમ આ યુવા નેતા પર કોંગ્રેસે ઉતારી પસંદગી
બીજી યાદીમાં કોંગ્રેસે અમદાવાદ પૂર્વ અને પશ્વિમના ઉમેદવારો જાહેર કર્યા છે. અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે યુવા નેતા રોહન ગુપ્તાને મેદાને ઉતાર્યા છે. જ્યાં તેમનો મુકાબલો ભાજપના વર્તમાન સાંસદ હસમુખ પટેલ સાથે થશે.

બીજી યાદીમાં કોંગ્રેસે અમદાવાદ પૂર્વ અને પશ્વિમના ઉમેદવારો જાહેર કર્યા છે. અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે યુવા નેતા રોહન ગુપ્તાને મેદાને ઉતાર્યા છે. જ્યાં તેમનો મુકાબલો ભાજપના વર્તમાન સાંસદ હસમુખ પટેલ સાથે થશે. રોહન ગુપ્તાએ ચૂંટણી માટે પ્રચાર અભિયાનનો પ્રારંભ કર્યો છે, ત્યારે અમે જણાવીશું કે કોંગ્રેસે રોહન ગુપ્તાને ઉમેદવાર તરીકે કેમ પસંદ કર્યા છે.

કોણ છે રોહન ગુપ્તા ? : રોહન ગુપ્તાની ઉંમર 48 વર્ષ છે અને તે કોંગ્રેસ સાથે ઘણા સમયથી જોડાયેલા છે. તે કોંગ્રેસનો જાણીતો ચહેરો છે. તેમણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરેલો છે. કોંગ્રેસમાં તે સોશિયલ મીડિયા હેડ તરીકેની જવાબદારી નિભાવી ચુકેલા છે.

રોહન ગુપ્તા કોંગ્રેસના IT સેલના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. તેમના પિતા રાજકુમાર ગુપ્તા પણ કોંગ્રેસના નેતા હતા. રોહનને ટીવી ડિબેટમાં કોંગ્રેસનો પક્ષ રજૂ કરતા અનેકવાર જોઇ શકાયા છે.

રોહન ગુપ્તાને બાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકેની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.તેઓ અનેક ટીવી ચેનલના ડિબેટ કાર્યક્રમોમાં કોંગ્રેસ તરફથી પક્ષ મુકી ચુક્યા છે.

તેઓ અગાઉ કોંગ્રેસમાં રહેવા છતા પક્ષના અંદરો અંદરના જ વિવાદમાં રહી ચુક્યા છે,ભાજપ સાથે સાંઠગાંઠ અંગેનો પણ વિવાદ થયો હતો. જો કે તેમાં કોઇ તથ્ય સામે આવ્યુ ન હતુ. તે કોંગ્રેસનો વગદાર ચહેરો રહ્યા છે. કોંગ્રેસે આ વખતે લોકસભા માટે પસંદગીનો કળશ તેમના ઉપર ઢોળ્યો છે.

મહત્વનું છે કે વર્ષ 2019માં અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસે ગીતા પટેલને ટિકિટ આપી હતી. તે વખતે કોંગ્રેસના ગીતા પટેલને માત્ર 3,15,504 મત મળ્યા હતા.ગત ચૂંટણીમાં ભાજપના હસમુખ પટેલને 7,49,834 વોટ મળ્યા હતા. આ વખતે પણ ભાજપે ઉમેદવાર તરીકે આ બેઠક પર હસમુખ પટેલને જ રિપીટ કર્યા છે. જો કે કોંગ્રેસે આ વખતે અમદાવાદ પૂર્વની બેઠક પર ગીતા પટેલનું પત્તુ કાપીને રોહન ગુપ્તાને તક આપી છે.
