આ મંદિર પ્રયાગરાજ કિલ્લાની બાજુમાં સંગમ નજીક આવેલું છે. આ પ્રાચીન મંદિરમાં હનુમાનજીની સુતેલી મૂર્તિ છે. આખા ભારતમાં હનુમાનજીની આ એકમાત્ર સુતેલી મૂર્તિ હોવાનું મનાય છે. મંદિરમાં હનુમાનજીની પ્રતિમા 20 ફૂટ લાંબી છે. અને એટલે જ આ મંદિર સુતેલા હનુમાનજી મંદિર તરીકે પણ ઓળખાય છે. આ મંદિરના ઇતિહાસ વિશે કેટલીયે દંતકથાઓ છે. એક દંતકથા અનુસાર, એક વેપારી હોડીમાં હનુમાનજીની મૂર્તિ લઇને જઇ રહ્યો હતો. મૂર્તિ ભારે હોવાથી બોટ અચાનક સંગમમાં ડૂબી ગઈ. સમય જતાં જ્યારે યમુનાજીના પાણીનું વહેણ થોડું બદલાયું, ત્યારે આ મૂર્તિ દેખાવા માંડી. તે સમયે અકબરનું શાસન હતું, અને તેમણે હિન્દુઓના દિલ જીતવા તેના કિલ્લાની સમીપે જ આ મૂર્તિનું સ્થાપન કર્યું.