12 લાખની કરમુક્તિનો લાભ દેશમાં કેટલા લોકોને મળશે ? નિર્મલા સિતારમણે જણાવ્યું કેવી રીતે ગણાશે વેરો
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે, નવી કર વ્યવસ્થાના સ્લેબમાં ફેરફાર કરવાથી વધુ 1 કરોડ લોકોને કર રાહત મળશે. સરકારે નવી કર વ્યવસ્થા 7 લાખ રૂપિયાથી વધારીને 12 લાખ રૂપિયા કરી દીધી છે. સરકારના આ નિર્ણયને, મધ્યમ વર્ગના લોકો સાથે સીધી અસર માનવામાં આવી રહ્યી છે.


કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે, ગઈકાલ શનિવારે વર્ષ 2025-26 માટે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ વખતે બજેટમાં સરકારે નોકરી કરતા લોકોને મોટી રાહત આપી છે. સરકારે નવી કર વ્યવસ્થા અંતર્ગત આવકવેરાનો સ્લેબ 7 લાખ રૂપિયાથી વધારીને 12 લાખ રૂપિયા કર્યો છે. આ ઉપરાંત, 75,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ ઉપલબ્ધ કરાવ્યું છે.

જો આપણે આ રીતે જોઈએ તો 12 લાખ 75 હજાર રૂપિયાની આવક ઉપર એક રૂપિયો પણ ઈન્કમ ટેક્સ ચૂકવવો પડશે નહીં. સરકારના આ નિર્ણયને મધ્યમ વર્ગના લોકો માટે મોટી રાહત માનવામાં આવી રહી છે. આ જાહેરાત પછી, સરકારના આ નિર્ણયથી કેટલા લોકોને ફાયદો થશે તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા, તેનો જવાબ પણ ખુદ નાણા પ્રધાને આપ્યો છે.

બજેટ રજૂ કર્યા બાદ પત્રકાર પરિષદમાં પ્રશ્નોના જવાબ આપતાં નાણામંત્રીએ કહ્યું છે કે, આવકવેરાના નવા સ્લેબમાં જાહેર કરાયેલ ટેક્સ મુક્તિને કારણે, વધુ એક કરોડ લોકોને કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. સરકારે આવકવેરાના દરોમાં ફેરફાર કરીને લોકોના હાથમાં પૂરતા પ્રમાણમાં પૈસા મૂક્યા છે. મધ્યમ વર્ગને ફાયદો થાય તે માટે અમે કર દર ઘટાડ્યા છે. બજેટમાં કર વ્યવસ્થાને સરળ બનાવવામાં આવી છે.

સરકારનું કહેવું છે કે, નવી કર પ્રણાલી હેઠળ, આગામી નાણાકીય વર્ષ 2025-26 માં વાર્ષિક 12 લાખ રૂપિયા કમાતા લોકોને 80,000 રૂપિયાની બચત થશે. જ્યારે, જેમની વાર્ષિક આવક 24 લાખ રૂપિયા કે તેથી વધુ છે, તેઓ આવકવેરામાં રૂપિયા 1.10 લાખ બચાવી શકે છે. નવી જાહેરાતના આધારે, 13 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકો હવે તેમની કર જવાબદારી પર 25,000 રૂપિયા બચાવશે.

નાણામંત્રીએ તેમના 2025-26ના બજેટમાં નવા ટેક્સ સ્લેબનો પ્રસ્તાવ મૂક્યો છે, જે હેઠળ 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. પગારદાર વર્ગ માટે રૂ. 75000 ના પ્રમાણભૂત કપાતને ધ્યાનમાં લેતા, આ મર્યાદા રૂ. 12.75 લાખ હશે. જો આવક 12 લાખ રૂપિયાથી વધુ હોય, તો નવી કર પ્રણાલી હેઠળ ફાઇલ કરવાના ટેક્સ સ્લેબમાં કરાયેલા સુધારા મુજબ વેરો ભરવાનો થશે.
નાણાપ્રધાન નિર્મલા સિતારમણે અંદાજપત્ર રજૂ કરતા પગારદાર કરદાતાઓને મોટી રાહત આપી હતી. નાણાકીય વર્ષ 2025 અને 2026માં પગારદાર કરદાતાઓને 12 લાખ સુધીની આવક પર કરમુક્તિનો લાભ આપ્યો છે. આવકવેરા અંગેના અન્ય સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.

































































