બેસ્ટ ETF કેવી રીતે પસંદ કરવો ? યુદ્ધના માહોલમાં સોના-ચાંદીમાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ; આ વાત જાણી લો, નહીં તો પસ્તાવો થશે
છેલ્લા કેટલાક અઠવાડિયા સોના અને ચાંદી માટે ખૂબ જ ઉતાર-ચઢાવ ભરેલા રહ્યા છે. એવામાં ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ રોકાણકારો ફરી એકવાર સુરક્ષિત રોકાણ (Safe Haven) તરફ વળી રહ્યા છે.

પહેલા લોકો ફિઝિકલ ગોલ્ડ અથવા સિલ્વર (સોના-ચાંદીના ઘરેણા કે સિક્કા) ખરીદતા હતા. હવે ગોલ્ડ-સિલ્વર ETF દ્વારા સ્ટોરેજ અને સુરક્ષાની ઝંઝટ વગર રોકાણ કરવું સરળ બની ગયું છે. એવામાં રોકાણ કરતા પહેલા એ સમજવું જરૂરી છે કે, ETF શું છે અને યોગ્ય ETF ની પસંદગી કેવી રીતે કરવી?

ગોલ્ડ ETF અને સિલ્વર ETF એવા ફંડ છે કે, જે સોના અને ચાંદીના ભાવને ટ્રેક કરે છે. તેના યુનિટ્સ શેરની જેમ જ સ્ટોક એક્સચેન્જ પર ખરીદી અને વેચી શકાય છે. દરેક યુનિટની પાછળ નક્કી કરેલી માત્રામાં ફિઝિકલ ગોલ્ડ અથવા સિલ્વર રાખવામાં આવે છે.

આમાં રોકાણ કરવા માટે ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ હોવું જરૂરી છે. બજાર દરમિયાન તેની કિંમતો રિયલ ટાઈમમાં બદલાતી રહે છે. સૌ પ્રથમ તમારી પાસે ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ હોવું જરૂરી છે. ત્યારબાદ, તમારા બ્રોકરના પ્લેટફોર્મ પર જઈને ગોલ્ડ અથવા સિલ્વર ETF સર્ચ કરો.

બીજું કે, જે ETF માં રોકાણ કરવું હોય, તેના યુનિટની સંખ્યા નક્કી કરો અને માર્કેટ અથવા લિમિટ ઓર્ડર દ્વારા તેની ખરીદી કરી લો. ખરીદી કર્યા પછી આ યુનિટ્સ તમારા ડીમેટ ખાતામાં દેખાવા લાગશે. ETF ની કિંમત વૈશ્વિક સોના અને ચાંદીના ભાવ સાથે જોડાયેલી હોય છે, તેથી આંતરરાષ્ટ્રીય બજારની હલચલ પર નજર રાખવી પણ ખૂબ જરૂરી છે.

ETF પસંદ કરતી વખતે માત્ર હાલનું વળતર (Return) જોવું એ યોગ્ય રીત નથી. Mirae Asset Investment Managers (India) ના ETF પ્રોડક્ટ હેડ અને ફંડ મેનેજર સિદ્ધાર્થ શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, રોકાણ કરતી વખતે સૌથી પહેલા લિક્વિડિટી અને ઓછો એક્સપેન્સ રેશિયો (Expense Ratio) જોવો જોઈએ. આ ઉપરાંત, ટ્રેકિંગ એરર (Tracking Error) પણ તપાસવી જરૂરી છે.

એક્સપેન્સ રેશિયો: આ ફંડ મેનેજમેન્ટની ફી છે. એક્સપેન્સ રેશિયો જેટલો ઓછો હશે તેટલું વધુ સારું, કારણ કે લાંબાગાળે તેની સીધી અસર તમારા વળતર પર પડે છે.

ટ્રેકિંગ એરર: ETF અસલી સોના કે ચાંદીની કિંમતને કેટલી સચોટતાથી ફોલો કરી રહ્યું છે, તે જોવું જરૂરી છે. ટ્રેકિંગ એરર જેટલી ઓછી હોય તેટલું રોકાણ માટે વધુ સારું માનવામાં આવે છે.

લિક્વિડિટી: ETF માં ટ્રેડિંગ વોલ્યુમ સારું હોવું જોઈએ. જો લિક્વિડિટી ઓછી હોય, તો ખરીદી અને વેચાણ વખતે કિંમતમાં મોટો તફાવત (Spread) આવી શકે છે, જે નુકસાનકારક સાબિત થાય છે.

મોટું AUM રોકાણકારોના વિશ્વાસ અને બજારમાં સારી લિક્વિડિટી હોવાનો સંકેત આપે છે. હંમેશા ભરોસાપાત્ર અને સ્થાપિત એસેટ મેનેજમેન્ટ કંપનીનું ETF પસંદ કરવું વધુ સુરક્ષિત માનવામાં આવે છે.

સોનું સામાન્ય રીતે સુરક્ષિત એસેટ માનવામાં આવે છે અને સંકટના સમયે તેની માંગ હંમેશા વધે છે. બીજી તરફ, ચાંદીની કિંમતો પર ઔદ્યોગિક માંગની પણ સીધી અસર થાય છે, તેથી તેમાં ઉતાર-ચઢાવ વધુ જોવા મળી શકે છે.

જો તમારું જોખમ લેવાનું સ્તર ઓછું હોય, તો ગોલ્ડ ETF વધુ યોગ્ય સાબિત થઈ શકે છે. જો તમે બજારની અસ્થિરતા સહન કરી શકતા હોવ, તો મર્યાદિત હિસ્સા સાથે પોર્ટફોલિયોમાં સિલ્વર ETF ઉમેરી શકો છો.

મોટાભાગના ફાઇનાન્શિયલ એડવાઈઝર કુલ પોર્ટફોલિયોનો 5 થી 15 ટકા હિસ્સો સોના અથવા ચાંદી જેવી એસેટ્સમાં રાખવાની સલાહ આપે છે. જો કે, આ નિર્ણય તમારી ઉંમર, જોખમ લેવાની ક્ષમતા અને રોકાણના લક્ષ્ય પર નિર્ભર કરે છે.

ગોલ્ડ અને સિલ્વર ETFનો ઉદ્દેશ્ય માત્ર ઝડપથી નફો કમાવવાનો નથી પરંતુ પોર્ટફોલિયોને સંતુલન આપવાનો છે. વધુમાં જ્યારે શેરબજારમાં ઘટાડો આવે છે, ત્યારે આ એસેટ્સ નુકસાનને મર્યાદિત કરવામાં મદદ કરી શકે છે, જેવું અત્યારે થઈ રહ્યું છે. આવા સમયે માત્ર તેજી જોઈને એકસાથે મોટું રોકાણ ન કરવું જોઈએ અથવા ઘટાડો જોઈને ગભરાઈને વેચવાનો નિર્ણય ન લેવો જોઈએ.

જો તમે કિંમતી ધાતુઓમાં ફિઝિકલ જોખમ (ચોરી કે સુરક્ષાની ચિંતા) વગર રોકાણ કરવા માંગતા હોવ, તો ગોલ્ડ-સિલ્વર ETF એક સરળ અને પારદર્શક વિકલ્પ છે. યોગ્ય પસંદગી અને સંતુલિત રોકાણ સાથે તે તમારા પોર્ટફોલિયોને સ્થિરતા આપી શકે છે.
Stock Market : તમે પણ ડોલરમાં કમાશો ! ભારતમાં રહીને બનશો Apple અને Microsoft ના માલિક, નાના રોકાણકારો માટે ‘મોટી તક’
