ગુજરાત યુનિવર્સિટીનો 72મો પદવીદાન સમારોહ, 51,622 વિદ્યાર્થીઓને એનાયત કરાઈ પદવી- જુઓ તસ્વીરો
ગુજરાત યુનિવર્સિટીનો 72મા દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ વર્ષે યુનિવર્સિટીના કોન્વોકેશન ડેમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.


ગુજરાત યુનિવર્સિટીનો 72મો કોન્વોકેશન ડે યોજાયો હતો. પ્રથમવાર આ સમારોહ નવા તૈયાર થયેલા અટલ કલામ બિલ્ડિંગ ખાતે યોજાયો હતો. જેમા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહના ચીફ ગેસ્ટ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં તૈયાર થયેલા અટલ કલામ રિસર્ચ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યુ હતુ. આ તક તેમને મળતા પોતે ભાગ્યશાળી હોવાનુ જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે આ સેન્ટર ભારતના બંને મહાન પુત્રો અટલ બિહારી વાજપેયી અને એપીજે અબ્દુલ કલામના નામ પર છે જે આપણા સહુ માટે ગૌરવની વાત છે. દીક્ષાંત સમારોહમાં તેમના સંબોધનમાં ઉપરાષ્ટ્રપતિએ યુવાનોને જણાવ્યુ કે મનમાં કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર જીવનના દરેક પડકારોનો સામનો કરીને આગળ વધવુ જોઈએ. જો તમને સફળતા ન મળે તો નિરાશ કે હતાશ થઈ જવાને બદલે મક્કમ મને મુકાબલો કરશો તો ચોક્કસ સફળતા મળશે.

ઉપરાષ્ટ્રપતિએ ભારતના બંધારણ વિશે વાત કરતા કહ્યું કે, બંધારણના ઘડવૈયાઓએ આપણને જે બંધારણ આપ્યું છે તેમાં 22 ચિત્રો છે, તેમાં આપણી 5000 વર્ષની સાંસ્કૃતિક વારસાની ઝલક છે, સારનાથનું અશોક પ્રતીક છે, ગુરુકુળની પરંપરા છે અને તેનો સૌથી મહત્વનો ભાગ એ છે જેને મૂળભૂત અધિકારો કહેવામાં આવે છે કે જે લોકશાહીનું અમૃત અને લોકશાહી મૂલ્યોનો સાર જેના વિના લોકશાહી અધૂરી છે. આ મૂળભૂત અધિકારના લખાણની ઉપરનું ચિત્ર રામ, સીતા અને લક્ષ્મણનું છે એટલે કે રામ, સીતા અને લક્ષ્મણ આપણા બંધારણનો ભાગ છે.

આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના કુલાધિપતિ અને રાજ્યપાલઆચાર્ય દેવવ્રતે કહ્યું કે દીક્ષાંત સમારોહ એ શિક્ષાંત સમારોહ નથી. વિદ્યાર્થીઓએ જીવનભર શીખતા રહેવું જોઈએ. જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરતા રહેવું જોઈએ. એટલું જ નહીં, પોતાના જ્ઞાનને લોક કલ્યાણમાં જ્યાં આવશ્યકતા હોય ત્યાં વહેંચતા રહેવું જોઈએ.

કોન્વેકેશન ડે નિમીત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સંબોધનમાં જણાવ્યુ કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશનો અમૃતકાળ પ્રવેશ અને ગુજરાત યુનિવર્સિટીના અમૃત મહોત્સવ બંનેના સુયોગથી 72મો પદવિદાન સમારોહ વધુ ગરીમામય બન્યો છે. સીએમએ યુવા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છઆ પાઠવતા કહ્યુ કે સરદાર વલ્લભભાઈ પટેલે સ્થાપેયી યુનિવર્સિટી આજે વિશાળ વટવૃક્ષ બની છે.

ગુજરાત યુનિવર્સિટીના 72માં પદવીદાન સમારોહમાં કુલ 9 વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. જેમા કોમર્સમાં 27,835, આર્ટ્સમાં 10,295, સાયન્સમાં 5718, ડેન્ટલમાં 281, મેડિકલમાં 1722, એજ્યુકેશન ફેકલ્ટીમાં 3123 અને ફાર્મસીમાં 1 વિદ્યાર્થી સહિત કુલ 51,622 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી.

યુનિવર્સિટીના કુલપતિ ડૉ નિરજા ગુપ્તાએ તેમના સ્વાગત સંબોધનમાં જણાવ્યુ કે 75માં વર્ષમાં પ્રવેશેલી ગુજરાત યુનિવર્સિટીનો આ 72મો પદવીદાન સમારોહ છે. તેમણે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યુ કે આપ સહુ યુવાનો આગળ વધો અને સમાજને ઉન્નત સ્થાન પર પહોંચાડો તેવી શુભેચ્છા.

































































