Gir Somnath News : સોમનાથના આંગણે રેતશિલ્પ કલાનો રુડો અવસર, 20થી વધુ કલાકરોએ રેતશિલ્પ કંડારીને સંસ્કૃતિના દર્શન કરાવ્યા
Gir Somnath News : ગુજરાત લલિતકલા અકાદમી દ્વારા સોમનાથ બીચ ખાતે શિવરાત્રી દરમિયાન બે દિવસીય રેતશિલ્પ મહોત્સવનો પ્રારંભ કરાયો છે.


તારીખ 17 અને 18 ફેબ્રુઆરી એમ બે દિવસ ચાલનારા આ મહોત્સવમાં વિવિધ રેતશિલ્પ જેમ કે, શિવજી અને G-20ને લગતી વિવિધ 12થી વધુ પ્રકારની નયનરમ્ય અને ઉત્કૃષ્ટ શિલ્પ કૃતિઓ પ્રવાસીઓ નિહાળી શકશે.

ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા બે દિવસીય રેતશિલ્પ મહોત્સવનો સોમનાથ બીચ ખાતે વેરાવળ નગરપાલિકાના ઉપપ્રમુખ કપિલ મહેતાના હસ્તે પ્રારંભ કરવામા આવ્યો હતો.

તારીખ 17 અને 18 ફેબ્રુઆરી એમ બે દિવસ શહેરીજનો અને પ્રવાસીઓ રેતશિલ્પોની કલાત્મક કૃતિઓ નિહાળી શકશે.

આ રેતશિલ્પ મહોત્સવની મુખ્ય થીમ મહાશિવરાત્રી છે. રેતશિલ્પકાર નથુભાઈ ગળચર દ્વારા મહાશિવપુરાણમાં ભગવાન શિવ પારધીને પ્રસન્ન થયા તે મહત્વનું નિદર્શન કરતું શિલ્પ કંડારવામાં આવ્યુ હતું. જે આગવી ભારતીય સંસ્કૃતિની ઝલક દર્શાવે છે.

અન્ય રેતશિલ્પકારોએ અદભુત કળાથી ભગવાન શિવજી અને G-20ને લગતા વિવિધ પ્રકારના શિલ્પ બનાવીને પોતાની આગવી કળા પ્રદર્શિત કરી હતી તથા શિવજીના જુદા જુદા રુપો રેતશિલ્પમાં મૂર્તિમંત કર્યા હતા. આ રેતશિલ્પ મહોત્સવમાં 20 થી 25 કલાકારોએ ભાગ લીધો હતો.

આ તકે લલિત કલા અકાદમીના સચિવ તેજા દેસાઈ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રેતશિલ્પ કલાકારોને સંસ્કૃતિની આગવી ઓળખ ઉજાગર કરવાની તક મળે તેમજ પ્રવાસન સ્થળ સોમનાથ ખાતે શિવરાત્રી પર્વ પર મહાદેવના દર્શન કરવા આવતા ભક્તજનો અને પ્રવાસીઓને ભારતીય સંસ્કૃતિ તથા રેતશિલ્પ કલા વિશે વધુ જાણકારી મળે તેમજ રેત શિલ્પ કલાકારોને પ્રોત્સાહન મળે તે હેતુથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ તકે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકાના ચીફ ઓફિસર ચેતન ડુડિયા, સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ, અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં. મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથની મુલાકાતે બહોળી સંખ્યામાં આવેલા પ્રવાસીઓ પણ આ મહોત્સવને મન ભરી માણી શકશે.

































































