આ દિગ્ગજ ખેલાડીઓની હવે નહીં થાય ટીમ ઈન્ડિયામાં વાપસી, કરિયર થયું ખતમ?
ભારત અને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કર્યા બાદ આગામી સમયમાં કેવી હશે ભારતીય ટીમ અને કોણ છે BCCI ની નજરમાં તેને લઈ ઘણી સ્પષ્ટતા થઈ ગઈ છે. કેટલાક સિનિયર ખેલાડીઓને વર્લ્ડ કપ બાદ આફ્રિકા સીરિઝમાં ટીમમાં સ્થાન મળવાની અપેક્ષા હતી, પરંતુ ત્રણેય ફોર્મેટની ટીમમાંથી એકમાં પણ સ્થાન ન મળતા આ સિનિયર ખેલાડીઓનું કરિયર લગભગ સમાપ્ત થઈ ગયું છે એવું માનવામાં આવી રહ્યું છે.

આફ્રિકા પ્રવાસ માટેની ભારતીય ટીમમાં BCCI એ યુવા ખેલાડીઓ પર વધુ ધ્યાન આપ્યું છે, એવામાં કેટલાક સિનિયર ખેલાડીઓનું પત્તું કપાઈ ગયું છે.

ટેસ્ટ ટીમના બે સ્ટાર સિનિયર ખેલાડીઓ અને ભારતના સૌથી આધારભૂત બેટ્સમેનો ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેને આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચ માટેની ટીમમાં સ્થાન મળ્યું નથી.

પુજારા અને રહાણે લાંબા સમયથી ભારતની ટેસ્ટ ટીમમાં રમી રહ્યા હતા, પરંતુ છેલ્લી કેટલીક સિરિઝથી બંનેનું પ્રદર્શન સામાન્ય રહેતા બંનેને આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.

રહાણે અને પુજારા ખૂબ જ લાંબા સમયથી ટૂંકા ફોર્મેટથી પણ દૂર છે, એવામાં ટેસ્ટ મેચો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત તરફથી રમવા માટે તેની પાસે એકમાત્ર વિકલ્પ હતો. બંનેના ખરાબ પ્રદર્શન સિવાય તેમની વધતી ઉંમર પણ સિલેક્શનમાં આડે આવી છે. એવામાં હવે તેમના કમબેક કરવાના ચાન્સ પણ ઘટી ગયા છે અને તેમનું કરિયર લગભગ સમાપ્ત થઈ ગયું છે એવું માનવામાં આવી રહ્યું છે.

પુજારા-રહાણે સિવાય ફાસ્ટ બોલર ઉમેશ યાદવ પણ ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. ઉમેશ પણ T20 અને ODI ફોર્મેટમાં લાંબા સમયથી રમ્યો નથી. આ સિવાય ટેસ્ટમાં પણ તેનું સ્થાન નિશ્ચિત હોતું નથી, એવામાં આફ્રિકા સામેની સીરિઝમાં ટેસ્ટ ટીમમાં પણ સ્થાન ન મળતા ઉમેશ યાદવના પણ ટીમ ઈન્ડિયામાં કમબેક કરવાના ચાન્સ ઘટી ગયા છે.
