Champions Trophy : 23 વર્ષીય ખેલાડીએ ઐતિહાસિક સદી ફટકારી, આ કમાલ કરનાર અફઘાનિસ્તાનનો પ્રથમ બેટ્સમેન બન્યો
26 ફેબ્રુઆરી, બુધવારના રોજ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની આઠમી મેચમાં ઈંગ્લેન્ડ સામે અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 325 રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડને જીતવા 326 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 23 વર્ષના અફઘાન ઓપનરે ઐતિહાસિક સદી ફટકારી હતી.

અફઘાનિસ્તાનના યુવા ઓપનર ઈબ્રાહિમ ઝદરાને ઈંગ્લેન્ડ સામેની ચેમ્પિયન્સ ટ્રોફી મેચમાં ઐતિહાસિક સદી ફટકારી છે. ટીમનો ઓપનર ઝદરાન આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં સદી ફટકારનાર પ્રથમ અફઘાન બેટ્સમેન બન્યો છે.

લાહોરમાં ચેમ્પિયન્સ ટ્રોફીની આઠમી મેચમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ત્રણ વિકેટો શરૂઆતમાં ગુમાવી દીધી હતી, ત્યારબાદ 23 વર્ષીય યુવા ઓપનર ઝદરાને ઈનિંગની કમાન સંભાળી અને પછી ગતિ વધારી અને શાનદાર સદી ફટકારી. ઈબ્રાહિમે પોતાની ODI કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાન તરફથી સદીનું ખાતું ખોલાવ્યું હતું.

ઝદરાને કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી સાથે મળીને શાનદાર સદીની ભાગીદારી કરી. આ દરમિયાન ઈબ્રાહિમે પહેલા પોતાની અડધી સદી પૂર્ણ કરી અને પછી રનની ગતિ વધારીને, માત્ર 106 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી. આ ઝદરાનના વનડે કારકિર્દીની છઠ્ઠી સદી છે. પરંતુ સૌથી ખાસ વાત એ છે કે તે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં સદી ફટકારનાર અફઘાનિસ્તાનનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો.

ઝદરાન જ હતો જેણે 2023ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી અને આવું કરનાર પ્રથમ અફઘાન બેટ્સમેન બન્યો હતો. પોતાની 35મી ODI મેચ રમી રહેલા ઝદરાને આ ઈનિંગ દરમિયાન પોતાના 1500 રન પણ પૂરા કર્યા. તે આવું કરનાર અફઘાનિસ્તાનનો નવમો બેટ્સમેન બન્યો, સાથે જ તેણે સૌથી ઓછી ઈનિંગમાં અહીં પહોંચવાનો પણ રેકોર્ડ બનાવ્યો.

ઝદરાન છેલ્લી ઓવર સુધી રહ્યો અને માત્ર 146 બોલમાં 177 રનની જોરદાર ઈનિંગ રમી. ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં આ સૌથી મોટી ઈનિંગ છે. ઝદરાન ઉપરાંત કેપ્ટન શાહિદીએ પણ દમદાર ઈનિંગ રમી. તેણે 40 રન બનાવ્યા અને ઝદરાન સાથે 103 રનની ભાગીદારી કરી. ત્યારબાદ અઝમતુલ્લાહ ઓમરઝાઈ મેદાનમાં આવ્યો અને ઝદરાન સાથે 72 રનની ભાગીદારી કરી. (All Photo Credit : PTI)
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત સારું પરદર્શન કરી રહી છે. અફઘાનિસ્તાન સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક
