દક્ષિણ આફ્રિકામાં તૂટ્યું સપનું, પણ ટીમ ઈન્ડિયાએ શીખ્યા આ મોટા બોધપાઠ!
ભારત સાઉથ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતવામાં તો સફળ ન થયુ, પરંતુ બીજી ટેસ્ટ જીતી સિરીઝ ડ્રો કરવામાં ટીમ ઈન્ડિયાએ ચોક્કથી સફળ રહી હતી. વનડે વર્લ્ડ કપમાં હાર બાદ આ પ્રથમ મેજર સિરીઝ હતી જેમાં ભારતે ODI સિરીઝ 2-1થી જીતી હતી જ્યારે T20 અને ટેસ્ટ સિરીઝ ડ્રો રહી. આફ્રિકા પ્રવાસમાં ટીમ ઈન્ડિયાને અનેક બાબતો અને સવાલોનો જવાબ મળ્યો છે. આવો અમે તમને જણાવીએ કે ટીમ ઈન્ડિયાએ કયા મોટા પાઠ શીખ્યા છે.

વિનિંગ ટીમ કોમ્બિનેશન: ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી 1-1થી ડ્રો કરી છે. આ માત્ર બીજી વખત છે જ્યારે ભારતે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી ડ્રો કરી છે. ટીમ ઈન્ડિયાએ આ શ્રેણીમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે અને ઘણા પાઠ પણ શીખ્યા છે. જેમાં વિનિંગ ટીમ કોમ્બિનેશન તૈયાર કરવું એ સૌથી મોટી જરૂરિયાત છે, સાથે જ બેકઅપ પ્લેયર તરીકે મજબૂત ખેલાડીનું હોવું પણ ખૂબ જ જરૂરી રહેશે.

ફૂલટાઈમ વિકેટકીપરની જરૂર: આ શ્રેણીમાં કેએલ રાહુલને વિકેટકીપર બેટ્સમેન તરીકે રમ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં કેએલ રાહુલ પ્રથમ વખત ફૂલટાઈમ વિકેટકીપર તરીકે રમ્યો. ભારતને આનો ફાયદો એ થયો કે પ્લેઇંગ-11માં વધારાના બેટ્સમેનને મેદાનમાં ઉતારી શક્યા. પરંતુ ભવિષ્યમાં ભારત માટે આ યોજના સફળ થશે કે કેમ તે શક્ય જણાતું નથી. કારણ કે કેએલ રાહુલે ચોક્કસપણે કેટલીક ભૂલો પણ કરી છે એવામાં ભારતને ફૂલટાઈમ વિકેટકીપરની જરૂર છે.

યુવાઓને વધુ તક આપવી પડશે: દક્ષિણ આફ્રિકાનો આ પ્રવાસ એટલા માટે પણ ખાસ હતો કારણ કે લગભગ 12 વર્ષ પછી એવું બન્યું કે ટીમ ઈન્ડિયાએ ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે વિના વિદેશમાં ટેસ્ટ મેચ રમી. એટલે કે ટીમ ઈન્ડિયાએ યશશ્લી જયસ્વાલ, શુભમન ગિલ, મુકેશ કુમાર અને શ્રેયસ અય્યર જેવા નવા ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો. પરંતુ અત્યારે પ્રયાસ એ હોવો જોઈએ કે ટીમ ઈન્ડિયા આવનારા બે વર્ષમાં આ ખેલાડીઓને વધુ તક આપે, જેથી દરેકને ટેસ્ટ રમવાનો અનુભવ મળે.

ચોથો ઝડપી બોલર કોણ હશે?: દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ચોક્કસપણે સાબિત કર્યું કે પ્રસિદ્ધ ક્રિષ્ના ટેસ્ટ ક્રિકેટના સ્તર માટે હજુ તૈયાર નથી. કારણ કે કેપ્ટન રોહિત શર્માએ તેને બંને ટેસ્ટ મેચમાં પૂરી તક આપી હતી પરંતુ તે બંને વખત નિષ્ફળ સાબિત થયો હતો. મુકેશ કુમારે આ સિરીઝમાં પોતાને સાબિત કરી દીધો છે, આવી સ્થિતિમાં જ્યારે મોહમ્મદ શમી આગામી સમયમાં ટીમમાં વાપસી કરશે, ત્યારબાદ સિરાજ-શમી-બુમરાહની ત્રિપુટીની સાથે ચોથા ઝડપી બોલરના રૂપમાં મુકેશ કુમાર જોવા મળશે.

ખેલાડીઓને ટેસ્ટ કરવાની તક: ટીમ ઈન્ડિયાએ હવે ઈંગ્લેન્ડ સામે આગામી મોટી શ્રેણી રમવાની છે, જે ઘરઆંગણે રમાવાની છે. આ પાંચ ટેસ્ટ મેચની સિરીઝ હશે, તેથી આ વખતે ઘણા મોટા રેકોર્ડ બનશે અને ટીમ ઈન્ડિયાને ઘણા ખેલાડીઓને ટેસ્ટ કરવાની તક પણ મળશે. એટલે કે જે રેકોર્ડ ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં નથી બનાવી શકી, તેને ઈંગ્લેન્ડ સિરીઝમાં બનાવવાની ચોક્કસ તક મળશે.
