U19 World Cup: ડેવાલ્ડ બ્રેવિસની તોફાની સ્ટાઈલ, 6 મેચમાં બનાવ્યા 506 રન, ધવનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
દક્ષિણ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસ (Dewald Brewis) મહાન બેટ્સમેન એબી ડી વિલિયર્સ (AB De Villiers) ને પોતાનો આદર્શ માને છે.

દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસે અંડર-19 વર્લ્ડ કપમાં પોતાની તોફાની સ્ટાઈલથી ચાહકોને પ્રભાવિત કર્યા છે. તેમની ચર્ચા માત્ર તેમના દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. 'બેબી ડી વિલિયર્સ' તરીકે જાણીતો, બ્રેવિસ હાલમાં ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.

ગુરુવારે બાંગ્લાદેશ સામે બ્રેવિસે 134 રનની સદી ફટકારીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. બ્રેવિસ હવે આ ટુર્નામેન્ટની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે.

બ્રેવિસે ટુર્નામેન્ટમાં છ મેચ રમી છે. તેણે તેની છ ઇનિંગ્સમાં 84.33ની શાનદાર એવરેજથી 506 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે પોતાના બેટથી બે સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. તે ત્રણેય યાદીમાં પ્રથમ સ્થાને છે. તેણે આ મામલામાં ભારતના શિખર ધવનને પાછળ છોડી દીધો, જેણે 2004માં 505 રન બનાવ્યા હતા.

અંડર-19 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે દક્ષિણ આફ્રિકાની ટીમને પ્રારંભિક મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં બ્રેવિસે મદદ કરી. બ્રેવિસે એક છેડો સાચવીને 43.6 ઓવર સુધી બેટિંગ કરી. બ્રેવિસે 130 બોલમાં 138 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 11 ફોર અને 7 સિક્સર ફટકારી હતી.

બ્રેવિસની શૈલી ઘણી આક્રમક રહી છે. તે 90.20 ની સ્ટ્રાઈક રેટથી રમ્યો છે અને તેના આદર્શ એબી ડી વિલિયર્સની શૈલીમાં રમતી વખતે તેણે 45 ચોગ્ગા અને 18 છગ્ગા ફટકાર્યા છે. વર્લ્ડ કપમાં તેના પ્રદર્શન બાદ તેને આઈપીએલમાં પણ મોટી બોલી મળવાની આશા છે. હરાજીમાં બ્રેવિસે તેની મૂળ કિંમત 20 લાખ રૂપિયા રાખી છે.