દીપક ચહરને અચાનક જ ટીમ ઈન્ડિયામાં મળી એન્ટ્રી, આ ખેલાડી સિરીઝમાંથી થયો બહાર
ભારતીય ટીમના ફાસ્ટ બોલર દીપક ચહરે સ્થાનિક ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. રાજસ્થાન તરફથી રમતી વખતે તેને પ્રભાવશાળી બોલિંગ કરી હતી. તાજેતરમાં રમાયેલી મેચમાં દીપક ચહરે હેટ્રિક લઈને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

દીપક ચહરે ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી પાંચ મેચની T20 સિરીઝ માટે અચાનક ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કર્યો છે. તમને જણાવી દઈએ કે તેને (દીપક ચહર) કયા ખેલાડીની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

28 નવેમ્બરના રોજ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટી20 સિરીઝની ત્રીજી મેચ રમાઈ હતી. ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે આવી હતી. ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈ એ માહિતી આપી કે ટીમ ઈન્ડિયાના ઈમર્જિંગ સ્ટાર ફાસ્ટ બોલર મુકેશ કુમાર પોતાના ઘરે પરત ફર્યો છે. ભારતીય બોર્ડે માહિતી આપી હતી કે મુકેશ કુમાર લગ્ન કરવા માટે પોતાના ઘરે પરત ફર્યો છે. ફાસ્ટ બોલરે બીસીસીઆઈને વિનંતી કરી હતી કે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવે.

બીસીસીઆઈ એ મુકેશ કુમારને લગ્ન માટે રજા આપી દીધી છે. તેથી તેના સ્થાને દીપક ચહરને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ તે વિજય હજારે ટ્રોફી 2023નો ભાગ હોવાને કારણે તે ત્રીજી મેચ માટે ઉપલબ્ધ નથી.

પરંતુ દીપક ચહર ચોથી મેચ પહેલા ભારતીય ટીમ સાથે જોડાશે. આવામાં સુકાની સૂર્યકુમાર યાદવ તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરે તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે દીપક ચહર છેલ્લે ડિસેમ્બર 2022માં ભારત તરફથી રમતા જોવા મળ્યો હતો.
