Lok Sabha Elections 2024 : અમેરિકામાં પણ અબ કી બાર 400 પાર નો સિંહનાદ કરાયો, જુઓ ફોટો
ભારતમાં લોકસભા ચૂંટણીનો રંગ જામી રહ્યો છે. સમગ્ર વિશ્વની નજર ભારતની ચૂંટણી ઉપર છે. વડા પ્રધાન મોદી અને ભાજપ ‘અબકી બાર 400 પાર’નો નારો આપી રહ્યા છે. ભારત સહિત વિદેશોમાં પણ આ ગુંજ સંભળાઈ રહી છે. કેલિફોર્નિયાના લોસએન્જલસ ના હોલિવુડ કોનાર્ક થિએટર્સ ખાતે પણ ભાજપ કાર્યકરો અને સમર્થકોએ કાર્યક્રમનું આયોજન કર્યું હતુ.

અમેરિકામાં વસતા ભારતીય અમેરિકનોએ ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીની આગેવાનીમાં અમેરિકાના 16 થી વધુ શહરોમાં ભાજપના સમર્થનમાં રેલી અને સભા યોજી અને નરેદ્ર મોદીની તરફેણમાં ભાજપને મત આપવા આહવાન કર્યું હતું.

ભારતમાં લોકસભાની ચૂંટણીની ગરમ હવા વિદેશમાં પણ પહોંચી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ એનડીએ ગઠબંધન રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા, જમ્મુ કાશ્મીરની કલમ 370 હઠાવવી, ટ્રિપલ તલાક , જેવા મુદ્દાઓને આગળ કરી રહ્યું છે. તો બીજી તરફ ‘ઇન્ડિયા’ ગઠબંધન બેરોજગારી, મોંઘવારી, બંધારણીય સંસ્થાઓ નબળી પડવી, જાતિગત જનગણના જેવા મુદ્દાઓ ઉઠાવી રહ્યું છે.

કેલિફોર્નિયાના લોસએન્જલસ ના હોલિવુડ કોનાર્ક થીએટર ખાતે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ભાજપની વેસ્ટ ઝોન દ્વારા ભવ્ય કાર્યક્રમ આયોજિત કરાયો હતો.જેમાં ભારતીય અમેરિકનો, હોદ્દેદારો, કાર્યકરો અને ભાજપ સમર્થકોએ હાજરી આપી હતી.જ્યાં નરેન્દ્ર મોદી સરકારના સાહસિક કર્યો, યોજનાઓ, વ્યાપાર અને વિદેશ નીતિ સહિતની ઉપલબ્ધિઓ તેમજ તે થકી ઊભી થયેલ વૈશ્વિક પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠાની વિગતો ની ચર્ચા કરવામાં આવી હતી.

આ તબક્કે સાઉથ એશિયન બિઝનેસ નેટવર્ક સબાનના વાઇસ ચેરમેન યોગી પટેલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકારમાં હિન્દુઓનું આસ્થા કેન્દ્ર એવું ભવ્ય રામમંદિરનું નિર્માણ થયું, કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી છે. 2014 પછી મોદીએ ગરીબી હટાવવાનું કામ કર્યું હતું જેમાં પણ નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે.સમગ્ર વિશ્વમાં ભારતીયોનું સ્વાભિમાન વધાર્યું છે. ગાયત્રી મંદિરના ટ્રસ્ટી રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે કોરોના જેવું સંકટ આવ્યું ત્યારે દુનિયા વિચારતી હતી કે ભારત બરબાદ થઈ જશે અને દુનિયા પણ બરબાદ થઈ જશે. આ કટોકટીમાં મોદી સરકારે હિંમતભેર સામનો કર્યો હતી.

ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી વેસ્ટ ઝોનમાં કો. ઓર્ડીનેટર પી.કે.નાયકએ જણાવ્યું હતું કે ભાજપ સરકારનો ત્રીજો કાર્યકાળ ઐતિહાસિક નિર્ણયોનો મોદીયુગ બની રહેશે. મોદી સરકારે પ્રમાણિકતાથી કામ કર્યું છે, જેથી ભારત ખૂબ ઝડપથી વિકાસ કરી રહ્યું છે. જેથી ભાજપને મત આપી વિજયી બનાવવા અને ભારતના સર્વે નાગરિકોને અંહી વસતા ભારતીયોને તેમના મિત્ર, સ્નેહી અને કુટુંબીજનોને આ વાત પહોચાડવા અપીલ કરી છે

































































