Breaking : સચિન તેંડુલકરથી રિંકુ સિંહ સુધી… પરિજનોના અવસાન પછી પણ દેશ માટે ઉભા રહ્યા આ દિગ્ગજો
રમતજગતમાં પ્રતિભા જેટલી મહત્વની છે, એટલી જ મહત્વની માનસિક મજબૂતી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રમતા ખેલાડીઓ માટે વ્યક્તિગત જીવનના આઘાતો વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત મુશ્કેલ બને છે. તેમાં પણ પરિજનને ગુમવ્યા બાદ ફરી મેદાનમાં ફરવું અને પર્ફોમ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. છતાં કેટલાક ક્રિકેટરોએ વ્યક્તિગત દુઃખને શક્તિમાં ફેરવી દેશ માટે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવા જ સંકલ્પશીલ ખેલાડીઓ પર એક નજર કરીએ.

હાલમાં જ રીંકુ સિંહના પિતાનું અવસાન થયું હતું. પિતાની અંતિમ યાત્રામાં સામેલ થઈ પરિવારને દુઃખદ સમયમાં સાંત્વના આપ્યા બાદ રીંકુ ફરી ટીમ સાથે જોડાયો છે. આ યુવા ક્રિકેટરે પોતાના પર આવી પડેલ દુઃખને ભૂલી દેશ પ્રત્યે પોતાની ફરત પૂરી કરવાનો નિણર્ય લીધો છે. રીંકુ પહેલા પણ અનેક ક્રિકેટરોએ પોતાના પરિજનોને ગુમાવ્યા બાદ મેદાનમાં પાછા ફરવાનો નિણર્ય લીધો હતો. આવા જ દિગ્ગજ ક્રિકેટરો પર એક નજર.

ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર માટે 1999 નો વર્લ્ડ કપ જીવનનો સૌથી કઠિન સમય રહ્યો. ટૂર્નામેન્ટ દરમિયાન તેના પિતા રમેશ તેંડુલકરનું અવસાન થયું હતું. અંતિમ સંસ્કાર માટે તે ભારત પરત ફર્યો, પરંતુ રાષ્ટ્રીય ફરજ નિભાવવા ફરી ટીમ સાથે જોડાયો. કેન્યા સામેની મેચમાં અણનમ 140 રન બનાવી તેણે સદી પિતાને સમર્પિત કરી, જે તેના અડગ મનોબળનું પ્રતિક બની.

2006માં વિરાટ કોહલી માત્ર 18 વર્ષનો હતો ત્યારે રણજી ટ્રોફી મેચ દરમિયાન તેના પિતા પ્રેમ કોહલીનું અવસાન થયું. રાતોરાત આ દુઃખદ સમાચાર મળ્યા છતાં બીજા દિવસે તે મેદાનમાં ઉતર્યો અને મહત્વપૂર્ણ 90 રન બનાવ્યા. આ ઈનિંગને તેની કારકિર્દીનો ટર્નિંગ પોઇન્ટ માનવામાં આવે છે, જ્યાંથી તેની માનસિક મજબૂતી સ્પષ્ટ દેખાઈ.

રિષભ પંત માટે 2017 ની IPL સિઝન ઈમોશનલ રહી. તેના પિતા રાજેન્દ્ર પંતના અવસાન બાદ અંતિમ વિદાય આપી તે માત્ર બે દિવસમાં ફરી મેદાન પર પરત ફર્યો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 36 બોલમાં 57 રનની ઇનિંગ રમી તેણે સંઘર્ષને જ જવાબ આપ્યો.

ભારતના 2020-21 ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મોહમ્મદ સિરાજને પિતાના અવસાનના સમાચાર મળ્યા. કોરોનાકાળની મર્યાદાઓ વચ્ચે ઘરે પરત ફરવું મુશ્કેલ હતું. તેણે ટીમ સાથે રહેવાનો નિર્ણય લીધો, ટેસ્ટ ડેબ્યૂ કર્યું અને ઐતિહાસિક શ્રેણી જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

તાજેતરમાં રિંકુ સિંહ પણ આવી જ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. વર્લ્ડ કપ દરમિયાન ભારત-ઝિમ્બાબ્વે મેચ બાદ તેના પિતાનું અવસાન થયું, જેના કારણે તે તાત્કાલિક ઘરે પરત ફર્યો. છતાં ટીમ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી તેણે બીજા જ દિવસે ટીમ સાથે જોડાવાનો નિશ્ચય કર્યો.

આ તમામ ઉદાહરણો બતાવે છે કે ક્રિકેટ માત્ર રમત નથી, પરંતુ સંકલ્પ, શિસ્ત અને દેશપ્રેમની પરીક્ષા છે. વ્યક્તિગત શોક છતાં રાષ્ટ્રીય જવાબદારી નિભાવવી સહેલી બાબત નથી. આવા ખેલાડીઓ નવી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે, જ્યાં દુઃખને હરાવી જીતનો માર્ગ બનાવવામાં આવે છે. (PC: PTI/X)
T20 WC Breaking : બાબર આઝમ સૌથી મોટી મેચમાંથી બહાર, સેમિફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાનનો મોટો નિર્ણય
