ભૂકંપ
વિશ્વભરમાં નાના મોટા ધરતીકંપ રોજ આવતા રહે છે. પૃથ્વીની અંદર હંમેશા ગતિવિધિ ચાલતી રહે છે. કેટલીકવાર ભૂકંપની તીવ્રતા એટલી ઓછી હોય છે કે તેને નોંધી પણ શકાતી નથી,તો કેટલીકવાર ભૂકંપના આંચકા એટલા શક્તિશાળી હોય છે કે તે હજારો માઈલ દૂર પણ અનુભવી શકાય છે. જે સ્થાને ધરતીકંપ ઉદભવે છે તેને ભૂકંપનું કેન્દ્ર અથવા કેન્દ્રબિંદુ કહેવામાં આવે છે. ભૂકંપના તરંગો એપી સેન્ટરમાંથી જ નીકળે છે. આનાથી ઘરતીમાં વાઇબ્રેશન થાય છે જેને લોકો અનુભવી શકે છે.
વૈજ્ઞાનિકો, ધરતીકંપની તીવ્રતાને સિસ્મિક તરંગોની શક્તિ અને અવધિના આધારે નક્કી કરે છે. તીવ્રતા આંકડો જેટલો વધારે તેટલો વધુ શક્તિશાળી ભૂકંપ ગણાય. 3 થી 4.9 ની તીવ્રતાવાળા ધરતીકંપોને પ્રમાણમાં નાના ગણવામાં આવે છે, જ્યારે 5 થી 6.9 ની તીવ્રતા મધ્યમથી તીવ્રતા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. જ્યારે, 7 થી 7.9 મોટા અને 8 કે તેથી વધુ ધરતીકંપો અત્યંત શક્તિશાળી કહેવામાં આવે છે.
ભૂકંપને સાદી ભાષામાં સમજવો હોય તો એમ કહી શકાય કે, ધરતીના ભૂગર્ભમાં રહેલી પ્લેટ એકબીજા સાથે અથડાતા ભૂકંપ આવે છે. સમગ્ર પૃથ્વી 12 ટેક્ટોનિક પ્લેટો ઉપર સ્થિત છે. આ પ્લેટો ખૂબ જ ધીમી ગતિએ ફરતી રહેતી હોય છે અને દર વર્ષે 4 થી 5 મી.મી ખસતી રહે છે. પ્લેટ ફરતી વખતે, જો એક પ્લેટ બીજીથી ઘણી દૂર ખસે છે અથવા પ્લેટની નીચે સરકી જાય છે, તો તે એકબીજા સાથે અથડાય છે. અથડામણ દરમિયાન, ઊર્જા મુક્ત થાય છે, જેને ભૂકંપ કહેવામાં આવે છે.