અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું નામ આગાહી નિષ્ણાત તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતું છે. તેમનું પુરુ નામ અંબાલાલ દામોદરદાસ પટેલ છે. ખાસ કરીને તેમની પાસેથી ચોમાસું કેવું રહેશે એની જાણકારી મેળવવા ખેડૂત સહિતના લોકો તેમનાં અનુમાન પર કાન માંડીને બેઠા હોય છે. અંબાલાલ પટેલનો જન્મ 1 સપ્ટેમ્બર, 1947ના અમદાવાદ જિલ્લાના રુદાટલમાં ખેડૂત પરિવાર દામોદરદાસ પટેલને ત્યાં થયો હતો. અંબાલાલ પટેલ ઍગ્રિકલ્ચર ગ્રૅજ્યુએટ છે. તેમણે આણંદની કૃષિ યુનિવર્સિટીમાંથી બીએસસી ઍગ્રિકલ્ચરની ડિગ્રી મેળવી છે.
1972 માં ગુજરાત સરકારમાં બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ ખાતે બીજ એગ્રીકલ્ચર સુપરવાઇઝર તરીકે જોડાયા હતા. બાદમાં ઉત્તરોતર એગ્રીકલ્ચર ઓફિસની બઢતી મેળવી હતી. તેમણે મદદનીશ ખેતી નિયામક તરીકે પણ ફરજ બજાવી છે.
અંબાલાલ પટેલ એગ્રીકલ્ચર સાથે સાથે જ્યોતિષ વિષયમાં રસ ધરાવે છે. એક વાર અંબાલાલ પટેલને વિચાર આવ્યો કે હવામાન કેવું રહેશે અને વરસાદ ક્યારે પડશે તેની માહિતી અગાઉથી મળી જાય તો ખેડૂતોની મદદ થઈ શકે. ત્યારબાદ તેઓએ જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. વરસાદનો વરતારો, મેઘમહોદય ગ્રંથ, વારાહી સંહિતા વગેરે ગ્રંથોમાંથી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કથન કેમ કરવું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
અંબાલાલ દામોદરદાસ પટેલે હવામાનને લઈ 1980માં પહેલી આગાહી કરી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે.