Winter Special Recipes : શિયાળાની કડકડતી ઠંડીમાં ઘરે જ બનાવો ગરમા ગરમ વેજીટેબલ સૂપ, જુઓ ફોટો
શિયાળામાં મોટાભાગના લોકોને ગરમ વસ્તુઓ ખાવાનું પસંદ હોય છે. ત્યારે તમે અવનવી હેલ્ધી અને ટેસ્ટી વાનગીઓ શું બનાવવી તેને લઈને કેટલાક લોકોને મૂંઝવણ હોય છે. તો આજે અમે તમને જણાવી શું કે રેસ્ટરોન્ટ સ્ટાઈલમાં કેવી રીતે ઘરે વેજીટેબલ સૂપ બનાવી શકાય છે.

વેજીટેબલ સૂપ બનાવવા માટે લીલી ડુંગળી, બારીક સમારેલું લસણ, ગાજર, ઝીણી કાપેલી કોબી, મકાઈના દાણા, ઝીણી કાપેલી ફણસી, કાળા મરીનો પાઉડર, વિનેગાર, કોર્નફ્લોર, બટર અથવા તેલ, પાણી અને મીઠાની જરુર પડશે.

સૂપ બનાવવા માટે સૌથી પહેલા લીલી ડુંગળી, લસણ, ગાજર,કોબી, મકાઈના દાણા, ફણસીને સારી રીતે ધોઈને ઝીણી કાપી લો. હવે એક બાઉલમાં કોર્નફ્લોર લઈ લો. જેમાં 3 થી 4 ચમચી પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.

હવે એક પેનમાં તેલ અથવા બટર ઉમેરી તેને મધ્યમ આંચ પર ગરમ કરો. ત્યારબાદ તેમાં લીલી ડુંગળી અને લસણ ઉમેરી 1-2 મિનિટ સાંતળો. હવે ઝીણું કાપેલુ તમામ શાકભાજી તેમાં ઉમેરી 4-5 મિનિટ સાંતળી લો. તેમાં 2 થી 3 કપ પાણી ઉમેરી લો.

સૂપમાં કાળા મરીનો પાઉડર ઉમેરી ઉકળવા દો. ત્યારબાદ તેમાં કોર્નફ્લોરનું પાણી મિક્સ કરો. સતત હલાવતા રહો. જેથી સૂપમાં ગાંઠો ના બને. મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ઉકળવા દો.

હવે લગભગ 7 થી 8 મિનિટ સૂપને ઉકળવા દો. ત્યારબાદ તેમાં વિનેગર નાખી બરાબર મિક્સ કરો. તમે ઈચ્છો તો ફરી એક વાર સૂપમાં કાળા મરીનો પાઉડર ઉમેરી શકો છો. તેમજ તેને ગરમા ગરમ પીરસી શકો છો.
રેસિપીના આવા જ બીજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
