ધોરાજીમાં ડુંગળીના મબલખ આવક છતા ભાવ તૂટ્યા, 800 રૂપિયાના બદલે 150 રૂપિયા ભાવ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા- Video
રાજકોટના ધોરાજી તાલુકામાં ખેડૂતોએ લોહી પાણી એક કરીને વાવેલી મગફળીના ભાવ ગગડતા ખેડૂતો મુશકેલીમાં મુકાયા છે. થોડા દિવસ પહેલા આ જ મગફળીના 700 થી 800 રૂપિયા ભાવ બોલાયા હતા જે આજે તૂટીને 150 થી 200 રૂપિયા મળતા ખેડૂતોની હાલાકી વધી છે.
રાજકોટમાં ધોરાજી APMCમાં દૂર દૂર સુધી જ્યા નજર પડે ત્યાં સુધી ડુંગળી ભરેલા વાહનોની કતારો લાગી છે. પરંતુ ડુંગળી વેચાવા આવેલા આ ખેડૂતોના ચહેરા પર સ્પષ્ટ રીતે નિરાશા દેખાઈ રહી છે. નિરાશા એ વાતની છે કે ડુંગળીના ભાવ સાવ તળિયે ગયા છે. 700 થી 800 રૂપિયાના બદલે હાલ 150 થી 200 રૂપિયા જ ભાવ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ મબલખ ઉત્પાદનને પગલે ભાવ ઘટ્યા છે. પડતર કિંમતથી પણ ઓછા ભાવ મળતા હોવાની રાવ ખેડૂતો કરી રહ્યા છે. હાલના ભાવ પ્રમાણે ઉત્પાદન ખર્ચ પણ નીકળી શકે તેમ નથી. ત્યારે ખેડૂતો ડુંગળી પર લગાવેલી નિકાસ ડ્યુટી રદ કરવાની માગ કરી રહ્યા છે.
ખેડૂતોનું કહેવું છે, કે એક વીઘામાં રૂપિયા 4 હજારનું બિયારણ-જંતુનાશક દવા અને અન્ય 6થી 7 હજારનો ખર્ચ. તેમજ મજૂરીના વીઘા દીઠ ₹ 2થી 3 હજારનો ખર્ચ કરીને ડુંગળી પકાવી હતી. જ્યારે ડુંગળી ખેતરમાં હતી ત્યારે ભાવ ₹ 700થી 800 હતા અને હવે, ધોરાજી યાર્ડમાં ડુંગળીની વધારે આવક થતા ભાવ સાવ ઘટી જતા ખેડૂતોને પોસાતું નથી. તેમના ઉત્પાદનનો ખર્ચ પણ નથી નીકળી રહ્યો. જેથી તેમણે માગ કરી છે કે, ડુંગળીના પૂરતા ભાવ આપવામાં આવે અને નિકાસ ડ્યુટી હટાવવામાં આવે.