અમદાવાદમાં ખોખરામાં આંબેડકરની પ્રતિમાને ખંડિત કરનારા બે આરોપીની ક્રાઈમબ્રાંચે કરી ધરપકડ, હજુ ત્રણ ફરાર – Video
ખોખરામાં આંબેડકરની પ્રતિમાને ક્ષતિ પહોંચાડવાના કેસમાં પોલીસે બે આરોપીઓ મેહુલ અને ભોલા ઠાકોરની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચની તપાસમાં જૂની અદાવતનો ખુલાસો થયો છે. હજુ ત્રણ આરોપીઓ ફરાર છે. ઘટના બાદ રાજકારણ ગરમાયું છે, ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. જો કે આ સમગ્ર ઘટનામાં CCTV ફૂટેજ તપાસમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.
અમદાવાદના ખોખરામાં ચકચાર મચાવનાર આંબેડકરની પ્રતિમા ખંડિત થવાના કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચ આ સમગ્ર કેસની તપાસ કરી રહી હતી. આરોપીઓ સુધી પહોંચવા માટે ક્રાઇમ બ્રાંચે 20 ટીમો બનાવી હતી. ટીમોએ અલગ અલગ 1 હજારથી વધુ CCTV તપાસ્યા હતા. આખરે ક્રાઇમ બ્રાંચને સફળતા મળી અને મેહુલ ઠાકોર તથા ભોલા ઠાકોરને ઝડપી લેવાયા છે. જોકે ગુનામાં સામેલ અન્ય ત્રણ આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. જેમને શોધવા પોલીસ તપાસ તેજ થઇ છે.
તો આંબેડકરની પ્રતિમા ખંડિત થવાના કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે જૂની અદાવતમાં આરોપીઓ બદઇરાદા સાથે આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું.. જુગનદાસની ચાલી વિસ્તારમાં નાડીયા અને ઠાકોર સમાચ વચ્ચે પાછલા કેટલાક વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. વર્ષ 2018માં પણ બંને સમાજ વચ્ચે રાયોટિંગ થયા હતા અને સામે સામે ફરિયાદ નોંધાઇ હતી. ઝડપાયેલા આરોપીઓ પણ ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આરોપીઓનું પગેરૂ મેળવવા CCTV મહત્વની કડી સાબિત થઇ. પોલીસે તપાસેલા 1 હજાર CCTVમાં એક્ટિવા ચાલક કેપ્ચર થયો હતો. જેની તપાસ કરતા પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી હતી અને સમગ્ર કાંડમાં ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
આ તરફ પ્રતિમાં ખંડિત થવા મામલે રાજકારણ પણ ગરમાયુ છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી. કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ભાજપ પર આંબેડકર વિરોધી વલણનો આરોપ લગાવ્યો. તો ભાજપે કડક કાર્યવાહીની માગ સાથે કોંગ્રેસના આરોપો ફગાવ્યા. વિરોધના વંટોળ વચ્ચે ક્રાઇમ બ્રાંચે ઘટનાના ગણતરીના કલાકોમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે મેહુલ અને ભોલા ઠાકોરે અન્ય ત્રણ ઇસમો સાથે મળીને મૂર્તિને નુકસાન પહોંચાડ્યું હતું.
આ તરફ મૂર્તિ ખંડિત થતા મોટી સંખ્યામાં લોકો આંદોલન પર બેઠા હતા. 24 કલાક વિતવા છતા પોલીસ આરોપીને પકડી ન શક્તા આગેવાનોએ ખોખરા બંધનું એલાન આપ્યુ. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને સ્થાનિકોએ આરોપીઓને પકડવાની ઉગ્ર માગ કરી. આ મામલે રાજનીતિ પણ ખૂબ થઈ રહી છે. કોંગ્રેસે આ કૃત્ય માટે ભાજપને જવાબદાર ગણાવી ભાજપના ઈશારે થઈ રહ્યુ હોવાનો આરોપ લગાવ્યો. તો ભાજપે કોંગ્રેસ પર વળતા પ્રહાર કર્યા. આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ ખૂબ થયા. જો કે આ ઘટનાની ટાઈમિંગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. એકતરફ સંસદમાં વિપક્ષ અમિત શાહના એક નિવેદનને આધાર બનાવી આંબેડકરના અપમાનનો આરોપ લગાવી રહી છે બરાબર એના જ બે દિવસમાં અમિત શાહના ગૃહ રાજ્યમાં આ પ્રકારે બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવાની ઘટના બને છે. જો કે આરોપીએ કોના ઈશારે કોના કહેવાથી આ પ્રકારનું હિન કૃત્ય કર્યુ તે તો પૂછપરછ બાદ જ સામે આવશે.