મોટો અકસ્માત ટળ્યો, કીમ સ્ટેશન પર દાદર-પોરબંદર એક્સપ્રેસના પૈડા પાટા પરથી ઉતરી ગયા
સુરત નજીકના કિમ રેલવે સ્ટેશને આજે મોટો અકસ્માત સર્જાતા રહી ગયો. દાદર-પોરબંદર સૌરાષ્ટ એક્સપ્રેસ સુરતથી ઉપડ્યા બાદ કિમ સ્ટેશને આવતા, એક ડબ્બાના પૈડા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની કે માલ મિલ્કતને નુકસાન થયું નથી પરંતુ જ્યા સુધી દાદર-પોરબંદર સૌરાષ્ટ એક્સપ્રેસના કોચના પૈડા પાછા પાટા પર ચડાવવામાં આવ્યા ત્યા સુધી રેલ વ્યવહારને આંશિક અસર થવા પામી હતી.
મુંબઈના દાદરથી પોરબંદર જઈ રહેલ દાદર-પોરબંદર સૌરાષ્ટ એક્સપ્રેસના કોચના પૈડા પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે આ ઘટનાને લઈને કોઈ જાનહાની કે મોટુ નુકસાન થવા પામ્યું નથી. પરંતુ રેલ વ્યવહારને સામાન્ય અસર થવા પામી હતી. ટ્રેનના ત્રીજા ડબ્બાના પૈડા પાટા પરથી ઉતરી જતા ટ્રેન અટકી ગઈ હતી. પૈડા પાટા પરથી ઉતરી જવાને કારણે ટ્રેનમાં આંચકો લાગતા મુસાફરો ગભરાઈ ગયા હતા.
ઘટનાને પગલે પશ્ચિમ રેલવે વિભાગની ટીમ દોડતી થઈ હતી. કિમ સ્ટેશને રેલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ત્વરીત પહોચીને કોચના પૈડા પાટા પર ચડાવવાની જેહમત આદરી હતી. રેલ કર્મચારીઓની ભારે મહેનત બાદ પાટા પરથી ઉતરી ગયેલા પૈડાને પાછા પાટા ઉપર ચડાવવામાં આવ્યા હતા. અને સામાન્ય અકસ્માતને કારણે અટકી પડેલ દાદર-પોરબંદર સૌરાષ્ટ એક્સપ્રેસને આગળના માર્ગે રવાના કરવામાં આવી હતી.
Latest Videos