Kheda: મઠીયા-પાપડ માટે પ્રખ્યાત ઉત્તરસંડા હવે સ્માર્ટ વિલેજ તરીકે બનાવશે ઓળખ, ગામ વિકાસનુ ઉત્તમ ઉદાહરણ બની રહ્યુ છે
અગાઉ તણસોલ-વણસોલ તરીકે ઓળખાતું ખેડા જિલ્લાનું નડિયાદ-આણંદ રોડ દાંડીમાંર્ગ પર આવેલ નડિયાદ તાલુકાનું ઉતરસંડા ગામ આજે આધુનિક સુવિધાઓથી સજ્જ થઈને ગુજરાતના 16 જિલ્લાઓના 35 સ્માર્ટ વિલેજો પૈકી એક બન્યું છે.


ગુજરાતના ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામને "સ્માર્ટ વિલેજ" જાહેર કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. અગાઉ તણસોલ-વણસોલ તરીકે ઓળખાતું ખેડા જિલ્લાનું નડિયાદ-આણંદ રોડ દાંડીમાંર્ગ પર આવેલ નડિયાદ તાલુકાનું ઉતરસંડા ગામ આજે આધુનિક સુવિધાઓથી સજ્જ થઈને ગુજરાતના ૧૬ જિલ્લાઓના ૩૫ સ્માર્ટ વિલેજો પૈકી એક બન્યું છે. 12,000 ની વસ્તી ધરાવતું ઉત્તરસંડા ગામ અને શહેર વચ્ચેની ભેદ રેખાઓને આંબીને બન્યું છે રૂબર્ન ટાઉન.

ગામડામાં જીવનની અભિલાષા ધરાવનાર કોઈ પણ વ્યક્તિને ઉત્તરસંડા ગામની જીવન પદ્ધતિ આકર્ષે તેવી છે. અહીં દરેક મૂળભૂત જરૂરીયાતનું સારી રીતે ધ્યાન રાખવામાં આવે છે, જેના કારણે ગ્રામજનોની જીવનશૈલીમાં પણ સુધારો થયો છે. રોડ, રસ્તા, પાણી, ગટર યોજના, તળાવ અને સ્વચ્છતા સહિતની મુળભૂત સુવિધાઓના તમામ માપદંડો પર ઉત્તરસંડા ગામે જમીની સ્તર પર નક્કર સિદ્વિ હાસિંલ કરી છે. ગામમાં શિક્ષણ, આરોગ્ય, કન્યા કેળવણી પર વિશેષ કામગીરી કરવામાં આવે છે. શાળાઓ હોય કે આંગણવાડી કેન્દ્રો, ભારતની સ્માર્ટ આવતીકાલ ઘડવા માટે તમામને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અપડેટ કરવામાં આવ્યા છે અને સારી રીતે જાળવવામાં આવે છે. અહીંના રસ્તાઓ સ્વચ્છ અને કચરામુક્ત છે.

ઉત્તરસંડા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ લોકોની કોઈ પણ પ્રકારની ફરિયાદના નિવારણ હેતુ સનરાઈઝ ઉત્તરસંડા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. ગામમાં વિવિધ સ્થળો પર ગોઠવાયેલા ૨૬ સીસીટીવી કેમેરાથી કોઈ પણ અનિચ્છિય બનાવને ટાળવા ગામની તમામ હલનચલનને મોનિટર કરવામાં આવે છે. ગામમાં ચાર પાણીની પરબ ઉભી કરવામાં આવી છે જેમાંથી ગામ લોકો ઠંડુ પાણી ભરી શકે છે.

ઉત્તરસંડા ગામ દીકરીઓના વિકાસ માટે પણ ખૂબ કટીબદ્ધ છે. મુંબઈ સ્થિત ગામના જ વતની અને દાતા ડૉ. મોહનભાઈ ઈશ્વરભાઈ પટેલ દ્વારા સુકન્યા સમૃદ્ધિ સ્કીમ હેઠળ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના 4 થી 7 વર્ષની બાળાઓ માટે દીકરી દીઠ રૂ. 11,000 એમ કુલ 349 દીકરીઓના ખાતામાં રૂ. 38,39,000 જમા કરવામાં આવ્યા છે. ઉત્તરસંડા ગ્રામ પંચાયત દ્વારા ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરી યોગ્ય નિકાલ કરવામાં આવે છે. ઉપરાંત ઉત્તરસંડાથી આણંદ અને ઉત્તરસંડાથી નડિયાદ તરફ જવા માટે બે નવા બસ સ્ટેન્ડનું અંદાજિત 15 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. તથા ઉત્તરસંડા ગુતાલ રોડ પર ખેડા-આણંદનું બુલેટ ટ્રેનનું સ્ટેશન આપવામાં આવ્યું છે.

ગામની વચ્ચોવચ આવેલું સુંદર વેરા તળાવ મુલાકાત લેવા જેવું છે. રૂ. 2 કરોડના ખર્ચે વેરા તળાવની કાયા પલટ કરવામાં આવી છે. બ્યુટીફિકેશન પ્રોજેક્ટ બાદ અત્યારે આ તળાવમાં સવારે 5 થી 10 અને સાંજે 5 થી 11 ના સમયે ગ્રામ લોકો વોકિંગ કરે છે ઉપરાંત તળાવના પરિસરમાં જ બનાવેલ ચિલ્ડ્રન પાર્કમા બાળકો આનંદ કિલ્લોલ કરે છે. આ સિવાય ગામમાં બીજા એક ગોયા તળાવના પણ બ્યુટીફિકેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

ઉત્તરસંડા ગામનાં મઠીયા પાપડ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. ગામમાં આવેલા ૨૦થી વધુ મઠીયા પાપડના ગૃહ ઉદ્યોગ ઉત્તરસંડા સહિત આસપાસનાં લોકોને રોજગારી પુરી પાડે છે.

































































