BJP – AAPના નેતાઓ નર્મદા જિલ્લામાં આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદ મનસુખ વસાવાને નનામો પત્ર મળતા મચ્યો ખળભળાટ
નર્મદાના ભાજપના સાંસદ મનસુખ વસાવાને એક નનામો પત્ર મળ્યો છે, જેમાં નર્મદા જિલ્લામાં થઈ રહેલા વ્યાપક ભ્રષ્ટાચારમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની મીલીભગત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, તેમને એક નનામો પત્ર મળ્યો છે. આ પત્રમાં ભ્રષ્ટાચાર વિશેની માહિતી છે. ભાજપ અને આપના મોટા નેતાઓના નામનો ઉલ્લેખ હોવાનું જણાવ્યું છે. સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું કે મને ભાજપના એક વરિષ્ઠ આગેવાન નેતાએ નનામો પત્ર લખ્યો છે. આ પત્ર નર્મદા જિલ્લામાં ચાલતા વ્યાપક ભ્રષ્ટાચારો વિશે છે. આંકડા સાથે ઉઘરાણી કરેલ વિગતનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો હોવાનું તેમણે જણાવ્યું હતું. કેટલાક નેતાઓ અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને ધમકાવે છે આમાં કોંગ્રેસના નેતા રણજીત તડવીનું પણ નામ છે, પરંતુ મને ખબર છે કે રણજીત તડવીએ કોઈ પૈસા લીધા નથી. તેને પૈસા આપવા ગયા હતા ત્યારે રણજીતભાઈ એ લોકોને ખખડાવી નાખ્યા હતા.
મેં તપાસ કરી છે આ પત્રમાં તથ્ય છે કેવડિયામાં બિલ્ડર લોબી જમીન દલાલો બે વર્ષમાં કરોડો કમાયા છે. ગરૂડેશ્વરના ગભાણામાં રસ્તો બનાવવા સરકારી જગ્યામાં એક નેતાએ તપાસ માગી તોડપાણી કર્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દોઢ કરોડનો તોડ થયો છે, સરકારી જમીનમાં દબાણ કરનારાએ તેમને પૈસા આપ્યા છે તેમ લખી જણાવ્યું છે. જેમને જમીન રાખી અને પોતાના નામે જમીન કરાવી છે મેં તેઓને પણ પૂછ્યું પણ તેઓનું કહેવું છે કે અમે તો દબાયેલા હતા એટલે પૈસા આપી નામ પર કરાવ્યું છે. પરંતુ ભ્રષ્ટાચાર તો થયો જ છે.
અન્ય એક બાબત એ પણ છે કે આમ આદમીના એક નેતાએ રેલવેની જમીનમાં દબાણ કર્યું છે. આમાં જે કોઈ પણ સંડોવાયેલા હશે ભાજપના હશે કોંગ્રેસના હશે કે આપના હશે એની તપાસ હું પૂરેપૂરી રીતે કરીશ અને ઉપર સુધી આ વાત પહોંચાડીશ તેમ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, એક વાત તો ચોક્કસ છે કે આ ભ્રષ્ટાચાર વિશે હું એકલો જ બોલું છું અને બીજા નથી બોલતા. તે બધા સંડોવાયેલા છે એ વાત પણ ચોક્કસ છે. હું પૂરેપૂરી તપાસ માગીશ. મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરાશે તેમ તેમણે કહ્યું હતું.