નર્મદા: સાંસદ મનસુખ વસાવાએ કર્યો વધુ એક ધડાકો, ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો કર્યો દાવો
નર્મદા: સાંસદ મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર મામલે વધુ એક ધડાકો કર્યો છે અને વધુ એક પત્ર મળ્યો હોવાનો દાવો કર્યો છે. આ નનામા પત્રમાં ભાજપ- આપના મોટા નેતાઓના નામ હોવાનો દાવો કરાયો છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વધુ એક ધડાકો કર્યો છે. ભ્રષ્ટાચારના આક્ષેપો સાથેનો વધુ એક પત્ર મળ્યાનો વસાવાએ દાવો કર્યો છે. નનમાં પત્રમાં ભાજપ, આપના મોટા નેતાઓના નામ છે. નર્મદા જિલ્લામાં ચાલતા ભ્રષ્ટાચારના આંકડાઓનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. ગરૂડેશ્વરના ગભાણામાં રસ્તો બનાવવા એક નેતાએ તોડપાણી કર્યાનો આરોપ લગાવ્યો છે. ભ્રષ્ટાચારમાં આપ અને ભાજપ નેતાઓની મિલિભગતનો આરોપ લગાવ્યો છે. જિલ્લામાં આટલો ભ્રષ્ટાચાર હોય તો ખબર કેમ ન પડે તેવો સવાલ પણ વસાવાએ કર્યો છે.
તેમણે જણાવ્યુ કે આપના નેતાઓ આટલા આરોપ મુકે છે પરંતુ મારા સિવાય કોઈ બોલતું નથી. આ સાથે તેમણે આપ અને ભાજપના નેતા મળેલા હોવાનો પણ આક્ષેપ કર્યો. અગાઉ પણ મનસુખ વસાવાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ભ્રષ્ટાચારમાં AAP અને ભાજપના કેટલાંક નેતાઓની મિલિભગત છે. અલભત કોઈપણ પક્ષનો નેતા કેમ ન હોય તેના વિરુદ્ધ પગલાં લેવાશે.
આ તરફ સાંસદ મનસુખ વસાવા પર ચૈતર વસાવાએ પણ પલટવાર કર્યો છે. ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા સામે માનહાનિનો દાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે કહ્યુ અમારું નામ લેવાની તેમનામાં હિંમત નથી, અમારા પર આક્ષેપ કરો છો, તો પુરાવા આપો.વધુમાં ચૈતર વસાવાએ કહ્યુ કે નામ આપો નહીંતર માનહાનિનો કેસ કરીશું. ચૈતર વસાવાએ કહ્યુ કે ભજપના નેતાઓ કાર્યક્રમના ખોટા બિલ મુકે છે. અમે ખોટા બિલ સામે સવાલ ઉઠાવ્યો એટલે આક્ષેપ કર્યા.