હવે ટોલ પ્લાઝા પર નહીં લાગે લાંબી લાઇન ! દેશભરમાં લાગુ થશે Barrier-Free Toll સિસ્ટમ
કેન્દ્ર સરકાર હાઇવે પરથી ટોલ બૂથ દૂર કરીને અવરોધ-મુક્ત ટોલ સિસ્ટમ લાગુ કરશે. ANPR કેમેરા અને FASTag દ્વારા વાહનોને રોકાયા વગર ઓટોમેટિક ટોલ ચૂકવાશે.

કેન્દ્ર સરકારે હાઇવે પર ટોલ વસૂલાતની જૂની પદ્ધતિને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. આગામી વર્ષથી દેશભરના તમામ નેશનલ હાઇવે પર ટોલ બૂથોને દૂર કરવામાં આવશે અને તેના બદલે એક નવી ઇલેક્ટ્રોનિક, અવરોધ-મુક્ત ટોલ સિસ્ટમ અમલમાં આવશે. આ સિસ્ટમ લાગુ થયા પછી વાહનોને ટોલ પ્લાઝા પર રોકાવવાની જરૂર નહીં રહે અને ટોલ માટે થતા લાંબા ટ્રાફિક જામનો અંત આવશે.

નવી ટેક્નોલોજી મુજબ, વાહન પોતાની સામાન્ય ગતિએ ટોલ લેનમાંથી પસાર થશે અને ટોલની રકમ આપમેળે કાપી લેવામાં આવશે. આ પ્રક્રિયામાં Automatic Number Plate Recognition (ANPR) કેમેરા વાહનની નંબર પ્લેટ સ્કેન કરશે અને FASTag સક્રિય ચુકવણી સિસ્ટમ દ્વારા રકમ સેકંડોમાં ખાતામાંથી ડિડક્ટ થઈ જશે. ટોલ ચૂકવણીની આખી પ્રક્રિયા માનવી વગર અને રોકાવ્યા વગર પૂર્ણ થશે.

FASTag ન હોય અથવા તે કાર્યરત ન હોય તો પણ ભારે મુશ્કેલી નહીં પડે. સરકારે નક્કી કર્યું છે કે હવે રોકડ ચૂકવણી અથવા સંપૂર્ણ બોટલનેક ચાર્જ લેવામાં નહીં આવે. તેના બદલે ડ્રાઇવર UPI દ્વારા ચુકવણી કરશે તો માત્ર સામાન્ય ટોલના 1.25 ગણો ચાર્જ લાગશે. જો સિસ્ટમ ચૂકવણી પ્રાપ્ત ન કરી શકે કે નિયમોનું પાલન ન થાય તો વાહનધારકને ઈ-નોટિસ અથવા દંડ મોકલવામાં આવી શકે છે.

સરકારએ આ નવી ટેક્નોલોજીનો પાયલોટ ટેસ્ટ દેશના 10 સ્થળોએ શરૂ કર્યો હતો, જે સફળ રહ્યો. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં જણાવ્યું છે કે આગામી એક વર્ષમાં આ અવરોધ-મુક્ત ટોલ સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ કરી દેવામાં આવશે. આ નિર્ણય હાઈવેયો પરનું ટ્રાફિક ઘટાડવામાં, મુસાફરીનો સમય બચાવવામાં અને ઇંધણની બચતમાં મદદરૂપ બનશે.

એક તરફ ટોલ સિસ્ટમ આધુનિક બની રહી છે ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર પર્યાવરણ જાળવણી માટે વૈકલ્પિક ઇંધણને પણ પ્રોત્સાહન આપી રહી છે. નીતિન ગડકરીએ જણાવ્યું કે ભવિષ્યનું પર્યાવરણ-મૈત્રી ઇંધણ હાઇડ્રોજન છે. તેમણે ટોયોટાની Mirai હાઇડ્રોજન કારનો ઉપયોગ શરૂ કર્યો છે અને દેશને પરંપરાગત ઇંધણથી દૂર કરીને સ્વચ્છ એનર્જી તરફ દોરવાનો ઉદ્દેશ્ય રાખ્યો છે.
તમારું ઘર Toll Plaza થી આટલું નજીક હોય તો નહીં ભરવો પડે ટોલ, જાણો સરકારનો નિયમ
