Travel Tips : વિઝા-ફ્રી એન્ટ્રી, વિઝા ઓન અરાઈવલ અને ઈ-વિઝા વચ્ચે શું તફાવત ? જાણી લો કામની વાત
હાલમાં દરેક લોકો એક વાર વિદેશ ફરવાની ઈચ્છા રાખતા હોય છે. ત્યારે કેટલીક વાર વિઝા મેળવવા માટે મુશ્કેલી પડતી હોય છે. પરંતુ અહીં તમારા માટે મહત્વની માહિતી આપવામાં આવે છે. કારણ કે કેટલાક દેશ આવે છે જે પ્રવાસીઓને વિઝા ફ્રી એન્ટ્રી આપે છે. તો કેટલાક દેશમાં ત્યાં પહોંચ્યા બાદ વિઝા મળે છે. ત્યારે આ વિઝા વચ્ચેનો તફાવત તમારે સમજવો જરૂરી છે.

વિદેશ ફરવા કે અન્ય કોઈ કામ અર્થે જવું હોય તો સૌથી પહેલો વિચાર વિઝાનો કરવો જરૂરી છે. ત્યારે આજે અહીં તમને વિઝા કેટલી રીતે લઈ શકાય તે અંગે વિગતવાર માહિતી આપીશું.

વિઝા-ફ્રી એન્ટ્રીનો અર્થ એ છે કે પ્રવાસીઓને તે દેશમાં પ્રવેશવા માટે વિઝાની જરૂર નથી.તમે મુસાફરી કરી શકો છો અને પાસપોર્ટ સાથે સીધા દેશમાં પ્રવેશી શકો છો.

સામાન્ય રીતે, આ સુવિધા અમુક ચોક્કસ દિવસો (દા.ત. 30, 60 અથવા 90 દિવસ) માટે હોય છે અને તે પ્રવાસના હેતુ (દા.ત. પ્રવાસન અથવા વ્યવસાય) પર આધાર રાખે છે.

ઉદાહરણની વાત કરવામાં આવે તો, ભારતીય નાગરિકોને ભૂતાન અને નેપાળની મુલાકાત લેવા માટે વિઝાની જરૂર નથી.

વિઝા ઓન અરાઈવલ : પ્રવાસીઓ વિઝા વિના દેશમાં પ્રવેશ કરે છે અને એરપોર્ટ અથવા બોર્ડર પર વિઝા મેળવી શકે છે. તેને વિઝા ઓન અરાઈવલ કહેવામાં આવે છે.

વિઝા ઓન અરાઈવલ માટે વારંવાર પાસપોર્ટ, અરાઈવલ ફોર્મ, ફોટોગ્રાફ અને વિઝા ફીની ચુકવણીની જરૂર પડે છે. આ સુવિધા મર્યાદિત સમય અને હેતુઓ (સામાન્ય રીતે પ્રવાસન) માટે છે.

ઉદાહરણ તરીકે ભારતીય નાગરિકોને માલદીવ્સ અને થાઈલેન્ડમાં આગમન પર વિઝા મળે છે.

ઈ-વિઝા એ એક ડિજિટલ પ્રક્રિયા છે જેમાં તમે વિઝા માટે ઓનલાઈન અરજી કરી શકો છો અને તેને ઈલેક્ટ્રોનિક રીતે મેળવી શકો છો. તે ખાસ કરીને પરંપરાગત વિઝા અરજી પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવવા માટે બનાવવામાં આવી છે.

ઈ-વિઝા માટે વિઝા માટે અરજી કરવી, દસ્તાવેજો અપલોડ કરવા અને ચૂકવણી બધું ઓનલાઈન થાય છે. તમારે આ માટે એમ્બેસીમાં જવાની જરૂર નથી.

મંજૂરી મળતાની સાથે વિઝા ઇમેઇલ દ્વારા મોકલવામાં આવે છે. ઇ-વિઝા ઘણીવાર પ્રવાસન, તબીબી, વ્યવસાય અથવા ટૂંકા ગાળાની મુસાફરી માટે હોય છે. પરંપરાગત વિઝા પ્રક્રિયાની સરખામણીમાં ઓછા સમય અને મહેનતમાં ઈ-વિઝા મેળવવું શક્ય છે.
