Paris Olympics 2024 : સેમિફાઇનલ પહેલા ભારતીય હોકી ટીમને લાગ્યો મોટો ઝટકો, આ ખેલાડી નહિ રમી શકે સેમિફાઈનલ
પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમની સાથે જે વાતનો ડર હતો, તેજ થયું છે. તેના સ્ટાર ડિફેન્ડર અમિત રોહિદાસ પર 1 મેચ પર પ્રતિબંધ લાગ્યો છે. જેનો મતલબ એ છે કે, હવે સેમિફાઈનલ મેચમાં આ ખેલાડી રમશે નહિ.

પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે સેમિફાઈનલમાં એન્ટ્રી કરી છે. સેમિફાઈનલ મેચ 6 ઓગસ્ટના રોજ જર્મની સામે રમાશે. આ પહેલા ભારતીય હોકી ટીમ તેમજ તેના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.

સેમિફાઈનલમાં સૌથી અનુભવી ડિફેન્ડર અમિત રોહિદાસ વગર ટીમ રમશે. આવું એટલા માટે કારણ કે, ભારતના સ્ટાર ડિફેન્ડરને 1 મેચ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. અમિતને ગ્રેટ બ્રિટને સામે ક્વાર્ટર ફાઈનલમાં રેડ કાર્ડ મળ્યું હતુ.

આ મેચ દરમિયાન તેની હોકી સ્ટિક ગ્રેટ બ્રિટેનના ખેલાડીના મોંઢા પર લાગી હતી. તેના કારણે તેને રેડ કાર્ડ મળ્યું હતુ. રેડ કાર્ડ મળ્યા બાદ અમિત રોહિદાસ આખી મેચમાં બહાર બેઠો હતો. હવે સેમિફાઈનલ મેચમાં પણ તે રમી શકશે નહિ.

હોકીમાં રેડ કાર્ડ મળનાર ખેલાડી પર 1 મેચનો પ્રતિબંધ લાગવો કોઈ મોટી વાત નથી. ભારતીય હોકી ફેડરેશનને પણ ખાસ અપીલ કરી હતી પરંતુ FIHએ ભારતીય ફેડરેશનની અપીલને નકારી કાઢી હતી. અમિત પર પ્રતિબંધ લગાવ્યો હતો.

FIH એ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે અમિત રોહિદાસ પર આચાર સંહિતાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એક મેચ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

તે મેચ નંબર 35 એટલે કે, ભારત અને જર્મની વચ્ચે રમાનાર સેમિફાઈનલમાં રમશે નહિ. ભારતને તેના સિવાય 15 ખેલાડીઓમાંથી સેમિફાઈનલની ટીમ બનાવવી પડશે.

































































