PPF : શું બાળકના નામે ખોલવામાં આવેલું એકાઉન્ટ મેચ્યોરિટી પહેલાં બંધ કરી શકાય ?
PPF એ લોન્ગટર્મના ફાઇનાન્સિયલ પ્લાનિંગ માટેની એક મજબૂત સરકારી યોજના છે. એવામાં સવાલ એ છે કે, શું બાળકના નામે ખોલવામાં આવેલ PPF એકાઉન્ટ મેચ્યોરિટી પહેલાં બંધ કરી શકાય?

PPF એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ભારતમાં સૌથી લોકપ્રિય સરકારી બચત યોજનાઓમાંની એક છે. આ સ્કીમમાં ઘણા લોકો તેમના બાળકોના નામે PPF એકાઉન્ટ ખોલાવે છે, જેથી તેઓ લાંબાગાળે નોંધપાત્ર ફંડ બનાવી શકે. હવે એવામાં મોટાભાગના માતા-પિતાનો સવાલ છે કે, શું બાળક પુખ્ત વયનો થાય તે પહેલાં અથવા તો તેની મેચ્યોરિટી પહેલાં PPF એકાઉન્ટ બંધ કરી શકાય કે નહીં?

હવે વાત એમ છે કે, ચોક્કસ શરતો હેઠળ બાળકનું PPF એકાઉન્ટ મેચ્યોરિટી પહેલાં બંધ કરી શકાય છે. સરકારે PPF ને લાંબાગાળાની યોજના તરીકે ડિઝાઇન કરેલ છે, તેથી તેને બંધ કરવાનો વિકલ્પ ફક્ત મર્યાદિત પરિસ્થિતિઓમાં જ ઉપલબ્ધ છે. એકાઉન્ટ બાળકનું હોય કે પુખ્ત વયના લોકોનું, આ માટે શરતો સમાન છે.

સામાન્ય રીતે, 15 વર્ષની ઉંમર પહેલાં PPF ખાતું બંધ કરી શકાતું નથી. નિયમો અનુસાર ચોક્કસ પરિસ્થિતિઓમાં સમય પહેલા PPF એકાઉન્ટ બંધ કરી શકાય છે. જો કે, આ પરવાનગી 5 વર્ષ પછી આપવામાં આવે છે. નિયમો અનુસાર, જો PPF ખાતું બાળકના નામે ખોલવામાં આવે છે, તો તેનું Premature Closure થવું પણ પુખ્ત વયના PPF એકાઉન્ટ પર લાગુ પડતા નિયમો હેઠળ થશે.

આ માટે માતાપિતા/વાલીએ 'રિક્વેસ્ટ' કરવી જરૂરી છે અને બેંક અથવા પોસ્ટ ઓફિસે સાબિત કરવું આવશ્યક છે કે, એકાઉન્ટ બંધ કરવા પાછળ વાસ્તવિક કારણ છે. 'Premature Closure Condition'ની વાત કરીએ તો, બાળકના ઉચ્ચ શિક્ષણ માટે ખાતું બંધ કરી શકાય છે. આ માટે બાળકના માતા-પિતાએ માન્ય સંસ્થાનો પ્રવેશનો પુરાવો આપવો પડશે.

બીજું કે, જો ખાતાધારક (પુખ્ત કે બાળક), જીવનસાથી કે બાળકો જીવલેણ બીમારીથી પીડાતા હોય તો પણ ખાતું બંધ કરી શકાય છે. અંતે, જો ખાતાધારક NRI બને તો પણ ખાતું બંધ કરી શકાય છે. જો 5 વર્ષ પૂર્ણ થયા પછી ખાતું બંધ કરવામાં આવે તો વ્યાજ મળતું રહેશે પરંતુ સરકાર તેના વ્યાજમાંથી અમુક રકમ (1% થી 2%) કાપી શકે છે.
આ પણ વાંચો: નવી જોબ મળી ગઈ? હવે આ એક કામ તાત્કાલિક ધોરણે કરી દો, ઇગ્નોર કરશો તો આની અસર PF પર પડશે
