નેશનલ ડિફેન્સ કોલેજ સહિત ચાર દેશના અધિકારીઓ પ્રાંતિજ પહોંચ્યા, આ વિષયની મેળવી માહિતી, જુઓ
ભારત અને ઈઝરાયેલે મળીને પ્રાંતિજના વદરાડમાં એક્સલન્સ સેન્ટરની શરુઆત કરવામાં આવી છે. આ સેન્ટરની મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેત્યાનાહૂ પણ લઈ ચૂક્યા છે. એક્સલન્સ સેન્ટરને લઈ વિસ્તારમાં અનેક લોકોને માટે સમૃદ્ધીના દ્વાર ખૂલ્યા છે.

નેશનલ ડિફેન્સ કોલેજ, નવી દિલ્હી અને ચાર દેશના અધિકારીઓ સાબરકાંઠાના પ્રાંતિજના વદરાડમાં આવેલ ઈન્ડો ઈઝરાયેલ એક્સલન્સ સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા. સૈન્યના દેશ અને વિદેશના ઉચ્ચ અધિકારીઓએ એક્સલન્સ સેન્ટરની મુલાકાત લઇને માહિતી મેળવી હતી.

પ્રાંતિજના વદરાડ નજીક ઇન્ડો ઈઝરાયેલ વેજીટેબલ એક્સલન્સ સેન્ટર આવેલ છે. જ્યાં આધુનિક પદ્ધતી વડે શાકભાજી અને ફ્રુટ ઉત્પાદન કરવામાં આવે છે. નેટ હાઉસ, ગ્રીન હાઉસ અને પ્લગ નર્સરી દ્વારા અહીં અલગ અલગ પ્રકારની ખેતી કરવામાં આવે છે. જેને લઈ વિવિધ રાજ્ય અને દેશના કૃષિ અધિકારીઓ અને અગ્રણીઓ મુલાકાત એક્સલન્સ સેન્ટરની લેતા હોય છે.

વદરાડ સ્થિત ઇન્ડો ઈઝરાયેલ વેજીટેબલ એક્સલન્સ સેન્ટર દ્વારા વિસ્તારના ખેડૂતોને આધુનિક ખેતી વડે સમૃદ્ધી વધારવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિસ્તારના ખેડૂતોને તેનો મોટો લાભ મળી રહ્યો છે અને આધુનિક રીતે શાકભાજીની ખેતી કરવામાં મદદ મળી રહી છે.

એક્સલન્સ સેન્ટરની સફળતા અને તેની ટેક્નોલોજીની સુવાસ દેશના ખૂણે ખૂણે પ્રસરવા સાથે વિદેશમાં પણ આકર્ષણ થઇ રહ્યુ છે. આ માટે જ ચાર દેશના અધિકારીઓ સહિત નેશનલ ડિફેન્સ કોલેજ, નવી દિલ્હીના અધિકારીઓ વદરાડ સ્થિત એક્સલન્સ સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા.

ડિફેન્સ કોલેજમાં સુરક્ષા અને રક્ષણને લઈ વિવિધ તાલીમ આપવામાં આવે છે, પરંતુ સાથે સાથે ખેતી સહિતની મહત્વની જરુરી જાણકારીઓ પણ આપવામાં આવતી હોય છે. જેને લઈ એક્સલન્સ સેન્ટરની મુલાકાતે નેશનલ ડિફેન્સ કોલેજ અને વિદેશના અધિકારીઓ મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં મેજર જનરલ, બ્રિગેડીયર, એર કમાન્ડર, કેપ્ટન અને કર્નલ રેન્કના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારત ઉપરાંત જાપાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વેજીટેબલ એક્સલન્સ સેન્ટરની મુલાકાત લઇને કૃષિ અંગેની જાણકારી મેળવી હતી.

મુલાકાતે આવેલ નેશનલ ડિફેન્લ કોલેજ અને વિદેશના અધિકારીઓને શાકભાજી પાકોના નવીનત્તમ નિદર્શનો, બટાકા પાકની નિકાસ પધ્ધતિ, પ્લગ નર્સરી, વેજીટેબલ ગ્રાફ્ટિંગ જેવા અવનવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અહીં ઓછા પાણી અને ઓછી માટી વડે ખેતી કરવાની પદ્ધતીને અપનાવવામાં આવી છે. આ રીતે જ ખેતીમાં વધારે ઉત્પાદન મેળવવામાં આવે છે અને તે પ્રકારની માહિતી પણ ખેડૂતોને આપવામાં આવે છે. અહીં રોપા પણ તૈયાર કરવામાં આવે છે અને જે ખેડૂતોને ટોકન દરે પુરા પાડવામાં આવે છે. જેથી ખેડૂતો સારી ગુણવત્તા ધરાવતા શાકભાજીનું ઉત્પાદન કરીને વધુ સમૃદ્ધી મેળવી શકે.

































































