આ વિકએન્ડમાં નળ સરોવર જવાનું વિચારી રહ્યા હો તો ના જતા, 25-26 જાન્યુ. દરમિયાન આ કારણથી પ્રવાસીઓ માટે રહેશે બંધ- Photos
નળ સરોવર પક્ષી અભયારણ્યમાં બે દિવસ 25 અને 26 જાન્યુઆરી દરમિયાન પ્રવાસીઓ માટે બંધ રહેશે. આ બે દિવસ દરમિયાન પ્રવાસીઓ માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.

નળ સરોવર પક્ષી અભ્યારણમાં તા 25 અને 26 જાન્યુઆરી’ 2025ના રોજ જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી હાથ ધરાશે.

અંદાજે 100 જેટલા પક્ષીવિદો, તજજ્ઞો અને સ્વયંસેવકો 46 ઝોન પાડીને પ્રાથમિક પક્ષી ગણતરીમાં જોડાશે. ઈકોલોજિકલ ઝોન સહિત કુલ 120.82 સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં પક્ષી ગણતરી કરાશે.

વન્ય પ્રાણી સંરક્ષણ ધારા- 1972ની કલમ-28 તથા 33 થી મળેલ સત્તાથી આ બે દિવસ દરમિયાન નળ સરોવર પક્ષી અભયારણ્યમાં પ્રવાસીઓ માટે ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન, ગુજરાત રાજ્ય દ્વારા જાહેરનામાથી પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.

આ બે દિવસ દરમિયાન પક્ષીઓને તથા પક્ષી ગણતરીની કામગીરીમાં ખલેલ ન પહોંચે તે માટે સ્થાનિક વન વિભાગને સંપૂર્ણ સહયોગ આપવા અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલસિંહ દ્વારા જાહેર જનતાને મુલાકાત ન લેવા અપીલ કરાઈ છે.

25 અને 26 જાન્યુઆરી બાદ પ્રવાસીઓ નળ સરોવર પક્ષી અભયારણ્યની મુલાકાત લઈ શકશે.

આ બે દિવસ દરમિયાન માત્ર જળચર પક્ષીઓની જ મતગણતરી હાથ ધરાનાર છે.
નળ સરોવર ગુજરાત રાજયના અમદાવાદ જિલ્લામાં આવેલું એક અદ્ભૂત સરોવર છે. જે યાયાવર પક્ષીઓનું પ્રિય પર્યટન સ્થળ છે. શિયાળાની ઋતુમાં અહીં દેશ-વિદેશથી પક્ષીઓ આવે છે, જેમાં ફલેમિંગો તેના સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. વૈજ્ઞાનિકો યાયાવર પક્ષીઓના અભ્યાસ માટે તેના પગમાં કડીઓ પહેરાવે છે અને તેના વડે પક્ષીઓના સ્થળાંતરની માહિતી મેળવે છે.
