Kailash Mansarovar Yatra : 30 જૂનથી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, વિદેશ મંત્રાલયે શ્રદ્ધાળુઓને આપી રજીસ્ટ્રેશન સહિતની જાણકારી
કૈલાસ માનસરોવર યાત્રા માટે અરજી કરવા માટે kmy.gov.in વેબસાઇટ ખોલવામાં આવી છે. કૈલાસ માનસરોવર યાત્રા પર જવા માંગતા પ્રવાસી ઓનલાઈન અરજી કરી શકે છે.

પાંચ વર્ષ પછી, આવનારા 30 જૂને કૈલાશ માનસરોવર યાત્રા ફરીથી શરૂ થવાની છે. વિદેશ મંત્રાલયે જાહેરાત કરી છે કે આ યાત્રા ઓગસ્ટ સુધી ચાલશે અને તેની નોંધણી શરૂ થઈ ચૂકી છે. યાત્રા માટે અરજી કરવાની વિન્ડો હવે ખુલ્લી છે. કુલ 750 યાત્રાળુઓને 15 જૂથોમાં વિભાજિત કરીને તિબેટ સ્થિત કૈલાશ પર્વત અને માનસરોવર તળાવની યાત્રા કરાવવામાં આવશે.

વિદેશ મંત્રાલય મુજબ, પાંચ ટુકડી 50 યાત્રાળુઓ સાથે ઉત્તરાખંડના લિપુલેખ પાસથી અને 10 જૂથો સિક્કિમના નાથુ લા પાસ મારફતે રવાના થશે. રસ ધરાવતા યાત્રાળુઓ https://kmy.gov.in પર ઑનલાઇન અરજી કરી શકે છે.

અરજદારોની પસંદગી સંપૂર્ણપણે કોમ્પ્યુટર આધારીત, પારદર્શક અને લિંગસંતુલિત પદ્ધતિથી કરવામાં આવશે. મંત્રાલયે વધુમાં ઉમેર્યું છે કે સમગ્ર અરજી પ્રક્રિયા ડિજિટલ છે, તેથી અરજદારોએ પત્ર કે ફેક્સ દ્વારા સંપર્ક કરવાની જરૂર રહેશે નહીં. અરજી સંબંધિત માહિતી મેળવવા માટે વેબસાઇટ પર ઉપલબ્ધ પ્રતિસાદ વિકલ્પોનો ઉપયોગ કરી શકાય છે.

વિશેષ જણાવી દઈએ કે વર્ષ 2020 પછી કૈલાશ માનસરોવર યાત્રા સ્થગિત રહી હતી. ભારતીય સરકાર દર વર્ષે જૂન મહિનામાં ઉત્તરાખંડના લિપુલેખ પાસ (1981 થી) અને સિક્કિમના નાથુ લા પાસ (2015 થી) મારફતે યાત્રાનું આયોજન કરતી રહી છે. જોકે, તાજેતરમાં ચીન સાથેના સંબંધોમાં તણાવના કારણે યાત્રા રોકવામાં આવી હતી.

કૈલાશ માનસરોવર યાત્રા હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મો માટે અગત્યની ધાર્મિક ઘટના છે અને દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ આ પવિત્ર સ્થળોની મુલાકાત લે છે. (Images - Twitter)
Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.
