Breaking News : ગુજરાતમાં નાના અને મધ્યમ વર્ગના પરિવારો માટે ખુશખબર, રહેણાંક મકાનોના ટ્રાન્સફર્સ પર સ્ટેમ્પ ડ્યુટીમાં મોટો ઘટાડો, જાણો ફાયદા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના-મધ્યમ વર્ગને મોટી રાહત આપતા, રહેણાંક મકાનોના ટ્રાન્સફર પર 80% સુધી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી જાહેર કરી છે.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના અને મધ્યમ વર્ગના પરિવારોને મોટી રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે રહેણાંક મકાનોના ટ્રાન્સફર માટે ભરપાઈ થતી સ્ટેમ્પ ડ્યુટીની માત્ર 20% રકમ વસૂલ થશે અને બાકી 80% સુધી માફ કરવામાં આવશે.

આ છૂટ ખાસ કરીને સોસાયટીઓ, એસોસિએશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશનો દ્વારા આપવામાં આવતા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ આધારિત ટ્રાન્સફર પર લાગુ પડશે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, 1958 ની કલમ 9(ક) હેઠળ આ રાહત આપવામાં આવી છે.

આ સુધારાની અસરથી હવે મૂળ સ્ટેમ્પ ડ્યુટીના 20% અને તેની સાથે લાગૂ થતી દંડની રકમ એમ મળીને, અગાઉ જેટલી રકમ વસૂલ થતી હતી એટલી જ રહેશે. લોકોને દંડના રૂપમાં કોઈ વધારાની રકમ ચૂકવવી નહીં પડે.

આ છૂટ ફક્ત તેઓ માટે લાગુ પડશે જેમની મિલકત સોસાયટી, એસોસિએશન કે નોન-ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી હોય.

રાજ્ય સરકારે ચાર મહિના પહેલા હાઉસિંગ સોસાયટીઓમાં ટ્રાન્સફર ફી અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. હવે કોઈ પણ હાઉસિંગ અથવા હાઉસિંગ સર્વિસ સોસાયટી ખરીદ/વેચાણ વખતે કુલ અવેજ રકમના 0.5% અથવા વધુમાં વધુ ₹1 લાખ જેટલી જ ટ્રાન્સફર ફી વસૂલ કરી શકશે.

રાજ્યભરમાં લગભગ 30,000 જેટલી હાઉસિંગ સોસાયટીઓ કાર્યરત છે. અગાઉ કેટલીક સોસાયટીઓ દ્વારા કાયદા-નિયમ વિના વધુ ફી વસૂલ થતી હતી. તેને અટકાવવા માટે રાજ્ય સરકારે સહકારી કાયદામાં 2024માં સુધારા કર્યા હતા.

આ નિયમો અંતર્ગત સોસાયટીઓ કોઈ પણ બહાનો આપી ₹1 લાખથી વધુ ટ્રાન્સફર ફી વસૂલ કરી શકશે નહીં. જો કોઈ કાયદેસર વારસદારને અવેજ વગર મિલકત ટ્રાન્સફર કરવામાં આવી હોય, તો પણ ટ્રાન્સફર ફી વસૂલવી નહી શકે.

સાથે જ કોઈપણ ડેવલપમેન્ટ ચાર્જ, દાન કે અન્ય કોઇ નામે પણ ટ્રાન્સફર વખતે રકમ વસૂલવાની મંજૂરી નહીં હોય.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

































































