વિરાટ કોહલીને 1063 દિવસ પછી મળશે તેનો હક, DDCAનો ચોંકાવનારો નિર્ણય
વિરાટ કોહલી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રણજી ટ્રોફી મેચ રમી રહ્યો છે. રેલવે સામે રમાઈ રહેલી આ મેચમાં શુક્રવારે વિરાટ કોહલીનું સન્માન કરવામાં આવશે. વિરાટને દેશ માટે 100 ટેસ્ટ રમવા બદલ સન્માનિત કરવામાં આવશે. આશ્ચર્યજનક વાત એ છે કે વિરાટે 3 વર્ષ પહેલા 100 ટેસ્ટ પૂરી કરી હતી.

વિરાટ કોહલી હાલ રણજી ટ્રોફીમાં દિલ્હી તરફથી રમી રહ્યો છે. રમતના પહેલા દિવસે તેણે બેટિંગ કરી ન હતી પરંતુ તે નિશ્ચિત છે કે તે બીજા દિવસે બેટિંગ કરશે. જોકે, બેટિંગ બાદ વિરાટને મોટું સન્માન મળવાનું છે. કારણ કે DDCAને 1063 દિવસ પછી કંઈક યાદ આવ્યું છે.

તમને જાણીને નવાઈ લાગશે કે DDCA 31 જાન્યુઆરીએ વિરાટ કોહલીનું સન્માન કરવા જઈ રહ્યું છે. વિરાટને 100 ટેસ્ટ રમવાની સિદ્ધિ બદલ આ સન્માન આપવામાં આવી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે, વિરાટ કોહલીએ 2022માં તેની 100મી ટેસ્ટ રમી હતી અને 1063 દિવસ પછી DDCAએ તેનું સન્માન કરવાનું યાદ રાખ્યું છે.

વિરાટ કોહલીએ 4 માર્ચ, 2022ના રોજ શ્રીલંકા સામે તેની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ રમી હતી. આ મેચ મોહાલીમાં રમાઈ હતી. આ ટેસ્ટ પછી વિરાટે દિલ્હીમાં ટેસ્ટ પણ રમી હતી પરંતુ ત્યારે તેનું સન્માન કરવામાં આવ્યું ન હતું. જો કે હવે આ વિરાટનું સન્માન કરવામાં આવી રહ્યું છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 123 ટેસ્ટ મેચ રમી છે અને આ ખેલાડીએ 46.85ની એવરેજથી 9230 રન બનાવ્યા છે. વિરાટે 30 સદી અને 31 અડધી સદી ફટકારી છે.

માત્ર 14 ખેલાડીઓએ ભારત માટે 100થી વધુ ટેસ્ટ મેચ રમી છે. સચિને સૌથી વધુ 200 ટેસ્ટ મેચ રમી છે. તેના સિવાય રાહુલ દ્રવિડે 163 ટેસ્ટ રમી છે. વીવીએસ લક્ષ્મણ, અનિલ કુંબલે, કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, વિરાટ કોહલી, દિલીપ વેંગસરકર, સૌરવ ગાંગુલી, આર અશ્વિન, ઈશાંત શર્મા, હરભજન સિંહ, ચેતેશ્વર પૂજારા, વિરેન્દ્ર સેહવાગ પણ 100થી વધુ ટેસ્ટ રમી ચુક્યા છે.

વિરાટ કોહલીનું સન્માન સાથે ચાહકો તેની બેટિંગની રાહ જોઈ રહ્યા છે. વિરાટ કોહલી લગભગ 13 વર્ષ બાદ રણજી ટ્રોફી મેચ રમી રહ્યો છે. પ્રથમ દિવસે રેલવેને 241 રનમાં આઉટ કર્યા બાદ દિલ્હીએ એક વિકેટના નુકસાને 41 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી આગામી વિકેટ પડ્યા બાદ જ ક્રિઝ પર ઉતરશે, આ મેચમાં તેનું પ્રદર્શન કેવું રહેશે તે જોવું રહ્યું. (All Photo Credit : X / INSTAGRAM / GETTY)
ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચારો વિશે જાણવા ક્લિક કરો






































































