ખતરનાક પણ વફાદાર, શક્તિશાળી Dog ના લિસ્ટમાં આવતી આ બ્રીડ વિશે તમે જાણો છો?
દુનિયાની શક્તિશાળી ડોગ બ્રીડ, જેમને જો યોગ્ય તાલીમ અને સંભાળથી રાખવામાં આવે તો, અત્યંત વફાદાર અને પરિવારના શ્રેષ્ઠ રક્ષક બની શકે છે.

દુનિયાની કેટલીક Dogની જાતિઓ અત્યંત શક્તિશાળી અને ખતરનાક ગણાય છે, પરંતુ યોગ્ય તાલીમ અને સંભાળ સાથે તેઓ એટલાં જ વફાદાર અને રક્ષક સાબિત થાય છે. પિટ બુલ, રોટવીલર, જર્મન શેફર્ડ, ડોબરમેન, અમેરિકન બુલડોગ, ગ્રેટ ડેન, બોક્સર, સાઇબેરીયન હસ્કી અને બુલમાસ્ટિફ જેવી જાતિઓને સમજદારીપૂર્વક ઉછેરવામાં આવે તો તે પરિવાર માટે વિશ્વાસપાત્ર સાથી બની શકે છે.

પિટ બુલ (Pit Bull) : પિટ બુલ્સ તેમનાં મજબૂત અને માંસલ શરીર માટે જાણીતા છે. આ જાતિ લડાઈ અને શિકાર બંનેમાં ખાસ નિષ્ણાત છે. ગુસ્સામાં આવી જાય તો તેઓ નુકસાન પહોંચાડી શકે છે, તેથી દત્તક લેતા પહેલા યોગ્ય તાલીમ અને સોસિયલાઈઝેશન અત્યંત જરૂરી છે.

રોટવીલર (Rottweiler) : રોટવીલર શક્તિ અને સાહસનું પ્રતીક માનવામાં આવે છે. તેમનું શરીર મોટા કદનું હોય છે અને વજન 35 થી 50 કિલો સુધી પહોંચી શકે છે. ઘર અને પરિવારની સુરક્ષા માટે આ જાતિને કડક તાલીમ આપવી જરૂરી છે, નહીં તો તેઓ નિયંત્રણ બહાર થઈ શકે છે.

જર્મન શેફર્ડ (German Shepherd) : જર્મન શેફર્ડ ઝડપી, બુદ્ધિશાળી અને અત્યંત વફાદાર તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ પોલીસ, સુરક્ષા અને સર્ચ ઑપરેશન્સમાં થાય છે. 30 થી 40 કિલો વજન ધરાવતો આ કૂતરો અજાણ્યાઓથી સાવચેત રહે છે, પરંતુ યોગ્ય તાલીમ સાથે પરિવાર માટે ઉત્તમ સાથી બને છે.

ડોબરમેન (Doberman Pinscher) : ડોબરમેન પિન્સર મુખ્યત્વે રક્ષણ માટે રાખવામાં આવે છે. તેનું શરીર સીધું, મજબૂત અને ઝડપથી ક્રિયા કરવા સક્ષમ છે. અજાણ્યા લોકો સામે નિર્ભય રહેતો ડોબરમેન, જો બાળપણથી યોગ્ય તાલીમ આપવામાં આવે તો પરિવારનો વફાદાર રક્ષક બને છે.

અમેરિકન બુલડોગ (American Bulldog) : અમેરિકન બુલડોગ ખૂબ શક્તિશાળી અને દબદબાવાળો કૂતરો છે. તેની આક્રમક છબીના કારણે લોકો ઘણી વખત ડરી જાય છે. પરંતુ યોગ્ય તાલીમ, વ્યાયામ અને સંભાળ સાથે તે પરિવાર માટે વિશ્વાસપાત્ર અને પ્રેમાળ સાથી બની શકે છે.

ગ્રેટ ડેન (Great Dane) : ગ્રેટ ડેનને ‘Gentle Giant’ પણ કહેવામાં આવે છે, પરંતુ યોગ્ય તાલીમ ન આપવામાં આવે તો તે આક્રમક બની શકે છે. તેનું વજન 90 કિલો સુધી પહોંચી શકે છે. મોટા કદ અને શક્તિના કારણે તેને સતત કાળજી, તાલીમ અને નિયંત્રણની જરૂર હોય છે.

બોક્સર (Boxer) : બોક્સર પાસે મજબૂત જડબાં અને શક્તિશાળી શરીર હોય છે. તે ઝડપથી પ્રતિક્રિયા આપતા હોવાથી, યોગ્ય માર્ગદર્શન વિના આક્રમક થઈ શકે છે. નિયમિત વ્યાયામ અને તાલીમ સાથે બોક્સર ખૂબ જ રમૂજી અને વફાદાર સાથી બની શકે છે.

સાઇબેરીયન હસ્કી (Siberian Husky) : સાઇબેરીયન હસ્કી દેખાવમાં વરુ જેવો લાગે છે અને સ્વભાવથી શિકારી હોય છે. ઊર્જાશીલ હસ્કીને સતત વ્યાયામ અને તાલીમની જરૂર હોય છે. જો યોગ્ય રીતે ઉછેરવામાં આવે તો તે પરિવાર સાથે ખૂબ પ્રેમાળ અને રમૂજી રહે છે.

બુલમાસ્ટિફ (Bullmastiff) : બુલમાસ્ટિફ ખૂબ જ નિર્ભય, મજબૂત અને પરિવાર પ્રત્યે અત્યંત વફાદાર છે. તેને બાળપણથી જ સોસિયલાઈઝેશન અને તાલીમ આપવામાં આવે તો તે ઘરની સુરક્ષા માટે સૌથી વિશ્વસનીય કૂતરો બને છે. અજાણ્યાઓથી સાવધ રહેતો બુલમાસ્ટિફ ઉત્તમ ગાર્ડ ડોગ તરીકે ઓળખાય છે.
Insurance for Pet Dog : તમારા Dog માટે પણ પોલિસી લેવી કેમ જરૂરી ? જાણો
