NPSમાં નવો ફેરફાર! હવે સોનું, ચાંદી અને IPO પણ ઉપલબ્ધ; આનાથી તમારા રિટાયરમેન્ટ પ્લાન પર શું અસર પડશે?
સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) માં રોકાણકારો માટે એક મોટો અને નોંધપાત્ર ફેરફાર કર્યો છે. નવા નિયમો હેઠળ, 'NPS ઇક્વિટી ફંડ્સ' હવે શેરબજારમાં રોકાણ કરવા પૂરતું મર્યાદિત રહેશે નહીં પરંતુ સોના, ચાંદી, રિયલ એસ્ટેટ અને નવી કંપનીઓના શેરમાં પણ રોકાણ કરી શકશે.

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ 10 ડિસેમ્બર, 2025 ના રોજ એક માસ્ટર સર્ક્યુલર બહાર પાડ્યું હતું. આ સર્ક્યુલર NPS, યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS), અટલ પેન્શન યોજના (APY) અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર સાથે જોડાયેલી પેન્શન યોજનાઓને લાગુ પડે છે.

અત્યાર સુધી, 'NPS ઇક્વિટી ફંડ્સ' ફક્ત મોટાભાગની લિસ્ટેડ કંપનીઓના શેરમાં જ રોકાણ કરી શકતા હતા. નવા નિયમો હેઠળ, NPS તેના ઇક્વિટી પોર્ટફોલિયોના 5% સુધી સોના અને ચાંદીના ETF, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REIT), ઇક્વિટી-આધારિત AIF અને IPO માં રોકાણ કરી શકશે.

વેલ્યુ રિસર્ચે જણાવ્યું છે કે, આનાથી પૈસા અલગ અલગ જગ્યાએ રોકાણ કરવામાં આવશે, જેથી જોખમ વધારે ન રહે અને કમાણીની તકો વધુ સારી રહે. નિયમો અનુસાર, ઓછામાં ઓછું 90% રોકાણ નિફ્ટી 250 ની ટોચની 200 કંપનીઓમાં કરવામાં આવશે.

નવા નિયમો હેઠળ, NPS ફંડ્સ હવે IPO, FPO અને ઑફર ફોર સેલમાં ભાગ લઈ શકશે. વેલ્યૂ રિસર્ચ અનુસાર, રોકાણ ફક્ત એવી નવી કંપનીઓમાં જ કરવામાં આવશે, જેની સાઇઝ નિફ્ટી 250ની સૌથી નાની કંપની જેટલી અથવા તો તેથી મોટી હોય. આ ઉપરાંત, 'NPS ફંડ્સ' નિફ્ટી 50 અને સેન્સેક્સ જેવા મુખ્ય ઇંડેક્સને ટ્રેક કરતા ETF તેમજ ઇન્ડેક્સ ફંડ્સમાં પણ 5 ટકા સુધી રોકાણ કરી શકશે.

નવા નિયમોમાં એમ પણ જણાવાયું છે કે, 'NPS ફંડ્સ' ડેરિવેટિવ્ઝનો ઉપયોગ ફક્ત જોખમ ઘટાડવા માટે કરી શકે છે. આમાં રોકાણ મર્યાદા પણ 5% પર નિર્ધારિત કરવામાં આવી છે. NPS ડેટ ફંડ્સ માટે પણ રોકાણના નવા રસ્તા ખુલ્યા છે. આ ફંડ્સ હવે બેંક બોન્ડ્સ, મ્યુનિસિપલ બોન્ડ્સ, InvIT અને REIT બોન્ડ્સમાં રોકાણ કરી શકશે તેમજ ડેટ ફંડ્સ પસંદ કરી શકશે. આનાથી ફિક્સ્ડ ઇન્કમ રોકાણમાં વધુ બેલેન્સ અને સ્થિરતા આવશે.

બજારમાં ઘટાડો થાય ત્યારે સોનું અને ચાંદી ટેકો પૂરો પાડે છે. REITs અને IPOs પણ લાંબાગાળાનું રિટર્ન કરી શકે છે. આ તેમના માટે સૌથી વધુ ફાયદાકારક રહેશે, જેઓ નિવૃત્તિની નજીક છે અને તેમના ફંડ પર ઓછું જોખમ ઇચ્છે છે.

ટાટા પેન્શન મેનેજમેન્ટના સીઈઓ કુરિયન જોસે જણાવ્યું હતું કે, "નવા રોકાણ નિયમો NPS ને આજના સમય માટે વધુ અનુકૂળ બનાવે છે. સોના અને ચાંદીના ETF, AIF, REIT તેમજ મ્યુનિસિપલ બોન્ડમાં મર્યાદિત રોકાણને મંજૂરી આપવાથી NPS ની સુરક્ષા જાળવી રાખીને જોખમ વધાર્યા વિના વધુ સારા વળતરની સંભાવના વધશે." એકંદરે નવા NPS નિયમો રોકાણકારોના નિવૃત્તિ ફંડને વધુ સંતુલિત, સુરક્ષિત અને મજબૂત બનાવી શકે છે.
આ પણ વાંચો: વિદેશીઓને લાગ્યો ચોખાનો ચસ્કો ! ભારતીય ‘બાસમતી’ આગળ અમેરિકન ‘ટેક્સમતી’ પણ ફેલ, શું ટ્રમ્પ વધારાનો ટેરિફ લાદશે કે પછી…?
