Health Tips : કિડનીમાં પથરી ફરી થવાની ચિંતા? તેને રોકવા માટેના 4 સરળ અને અસરકારક જીવનશૈલી ફેરફારો કરો
શું તમે જાણો છો કે જો તમને એક વાર કિડનીમાં પથરી થઈ હોય, તો તે બીજીવાર થવાનું જોખમ વધારે છે? તેથી, કિડનીમાં પથરી અટકાવવાના પગલાં પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે, ખાસ કરીને જો તમને આ સમસ્યા પહેલા થઈ હોય.

કિડનીમાં પથરી કેલ્શિયમ અથવા સોડિયમ ઓક્સાલેટના નિર્માણને કારણે થાય છે. આનાથી તીવ્ર દુખાવો થાય છે. બીજી સમસ્યા એ છે કે જે લોકોને એકવાર કિડનીમાં પથરી થઈ ગઈ હોય તેમને ફરીથી પથરી થવાનું જોખમ વધારે હોય છે.

પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે જીવનશૈલીમાં કેટલાક ફેરફારો કરવાથી કિડનીમાં પથરી થવાની શક્યતા ઓછી રહે છે. ચાલો જાણીએ કે કિડનીમાં પથરી બીજી વાર ના થાય તેના માટે તમારી જીવનશૈલી અને આહારમાં કયા ફેરફારો કરવા જોઈએ.

કિડનીમાં પથરી ફરી ન બને એની માટે ઘણું પાણી પીવું બહુ જરૂરી છે. વધારે પાણી પીવાથી પેશાબ પાતળો રહે છે અને તેમાં રહેલા ખનિજો અને ક્ષાર એકઠા થતા નથી, જેથી પથરી બનવાનું ટળી શકે છે. દિવસે ઓછામાં ઓછા 2.5 થી 3 લિટર પાણી પીવાનો પ્રયત્ન કરો. ગરમીમાં અથવા વધારે પરસેવો થાય ત્યારે પાણી વધુ પીવું. તમારા પેશાબનો રંગ આછો પીળો અથવા પારદર્શક લાગે તો સમજવું કે તમે પૂરતું પાણી પી રહ્યા છો. પાણી સિવાય લીંબુ પાણી, નાળિયેર પાણી અને કેટલીક હર્બલ ચા પણ ફાયદાકારક છે.

વધારે મીઠું ખાવાથી કિડનીમાં પથરી થવાનો ખતરો વધે છે. કારણ કે મીઠામાં રહેલું સોડિયમ પેશાબમાં કેલ્શિયમ વધારી દે છે, જેનાથી પથરી બનવાની શક્યતા વધી જાય છે. ચિપ્સ, નાસ્તા, ચટણી, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, અથાણાં અને ફાસ્ટ ફૂડ જેવી વસ્તુઓમાં મીઠું બહુ હોય છે, તેથી ઓછું ખાવું જોઈએ.

માંસ, ચિકન, માછલી અને ઈંડા જેવા વધુ પ્રોટીનવાળા ખોરાક વધારે ખાવાથી પેશાબમાં કેલ્શિયમ અને યુરિક એસિડ વધી જાય છે અને સાઇટ્રેટ ઘટે છે. આ કારણે પથરી થવાની શક્યતા વધી જાય છે. આ ખોરાકને સંપૂર્ણ રીતે બંધ કરવાની જરૂર નથી, તેના બદલે, તમારા સેવનને મર્યાદિત કરો. પ્રોટીન માટે તમે દાળ, કઠોળ, બદામ અને દૂધ-દહીં જેવી વસ્તુઓ પણ ખાઈ શકો છો.

લીંબુ, નારંગી અને દ્રાક્ષ જેવા સાઇટ્રિક ફળોમાં કુદરતી રીતે સાઇટ્રેટ હોય છે. સાઇટ્રેટ પેશાબમાં કેલ્શિયમ સાથે જોડાય છે અને પથરી બનતી અટકાવે છે. દરરોજ લીંબુ પાણી પીવું એ એક સારી આદત છે. વધુમાં, ફળો અને શાકભાજીથી ભરપૂર ખોરાક શરીરને પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઇબર પૂરું પાડે છે, જે પથરી બનતી અટકાવવામાં મદદરૂપ થાય છે. કેળા, બટાકા, પાલક, શક્કરિયા , બ્રોકોલી અને તરબૂચ જેવા ખોરાક પણ ખૂબ ફાયદાકારક છે.
આ પણ વાંચો - ખજૂરના ખાવાના ફાયદા જાણતા હશો,પણ તમેને ખબર છે? ઘી સાથે ભેળવીને ખાવાથી થશે ડબલ નહીં ટ્રિપલ ફાયદા!
