કોહલી-ગંભીરનો ઝઘડો, વર્લ્ડ કપમાં પિચ પર સવાલો, 2023ના 5 મોટા વિવાદો
વર્ષ 2023 પૂરું થવામાં બસ થોડા દિવસો બાકી છે. આ વર્ષે ક્રિકેટમાં ODI વર્લ્ડ કપ, એશિયા કપ, IPL, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ, એશિઝ સહિત અનેક મેજર ટુર્નામેન્ટ યોજાઈ, સાથે જ આ ટુર્નામેન્ટમાં મોટા વિવાદો પણ થયા, જેમાં ખેલાડીઓ વચ્ચેના ઝઘડાથી લઈ વર્લ્ડ કપ મેચમાં પિચ બદલવા સુધીના વિવાદોએ હેડલાઈન બનાવી હતી. તેમાંથી અમે તમને એવા 5 વિવાદો વિશે જણાવીશું જેણે સૌથી વધુ હેડલાઈન્સ બનાવી.

કોહલી Vs ગંભીર: આ વર્ષે જો કોઈ વિવાદ સૌથી વધુ ચર્ચામાં રહ્યો તો તે IPL 2023નો કોહલી અને ગંભીર વચ્ચેનો વિવાદ હતો. 1 મેના રોજ લખનૌ-બેંગલુરુની મેચમાં અફઘાન ખેલાડી નવીન ઉલ હક અને કોહલી વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ મેચ સમાપ્ત થઈ ત્યારે ખેલાડીઓ હાથ મિલાવી રહ્યા હતા ત્યારે કોહલી અને નવીન વચ્ચે ફરી બોલાચાલી થઈ અને ગૌતમ ગંભીર આ ચર્ચામાં કૂદી પડ્યો અને જે બાદ હંગામો મચી ગયો. બંને એકબીજાની ખૂબ જ નજીક આવ્યા અને એકબીજા સાથે આક્રમક રીતે વાત કરવા લાગ્યા હતા.

લોર્ડ્સમાં બેયરસ્ટોની વિકેટ: ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝમાં લોર્ડ્સ ટેસ્ટમાં જોની બેયરસ્ટોએ કેમેરોન ગ્રીનના બાઉન્સરને વિકેટકીપર પાસે જવા દીધો અને તે તરત જ ક્રિઝની બહાર આવ્યો ત્યારે ઓસ્ટ્રેલિયન કીપર એલેક્સ કેરીએ બોલ સ્ટમ્પ પર માર્યો. બેયરસ્ટોને આશ્ચર્ય થયું પરંતુ થર્ડ અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો. આવું એટલા માટે થયું કારણ કે બેયરસ્ટો બોલ ડેડ થાય તે પહેલા જ ક્રિઝની બહાર હતો. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ, ભૂતપૂર્વ ખેલાડીઓ અને મીડિયાએ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની સ્પોર્ટ્સમેન સ્પિરિટ પર સવાલ ઉઠાવ્યા હતા.

ટાઈમ આઉટ: વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ-શ્રીલંકા વચ્ચેની મેચમાં એન્જેલો મેથ્યુસને ટાઈમ આઉટ આપવામાં આવતા વિવાદ થયો હતો. શ્રીલંકાની બેટિંગ દરમિયાન સમરવિક્રમાની વિકેટ પડતા એન્જેલો મેથ્યુસ ક્રીઝ પર આવ્યો અને બેટિંગ શરૂ કરતા પહેલા તેની હેલ્મેટનો પટ્ટો તૂટી જતા મેથ્યુસે બીજું હેલ્મેટ માંગ્યું. બાંગ્લાદેશી કેપ્ટન શાકિબ અલ હસને ટાઈમ આઉટ માટે અપીલ કરી હતી અને થર્ડ અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો. તે ક્રિકેટના ઈતિહાસમાં ટાઈમ આઉટ થનાર પ્રથમ બેટ્સમેન બન્યો. આ પછી મેથ્યુસે સોશિયલ મીડિયા પર શાકિબ અને અમ્પાયરો પર પ્રહારો કર્યા હતા.

વર્લ્ડ કપ અને પીચ: વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાએ સતત 10 મેચ જીતી હતી. જે બાદ પાકિસ્તાન સહિત અન્ય વિદેશી મીડિયાએ આરોપ લગાવ્યો કે પિચ ટીમ ઈન્ડિયાની પસંદગી મુજબ તૈયાર કરવામાં આવી હતી. ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલ પહેલા આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો. સેમિફાઈનલના એક દિવસ પહેલા એક બ્રિટિશ અખબારે અહેવાલ આપ્યો કે ભારતીય ટીમ મેનેજમેન્ટના કહેવા પર વાનખેડેમાં પિચ બદલવામાં આવી હતી. આ અંગે ભારે હોબાળો થયો.

ગંભીર Vs શ્રીસંત: વર્ષના છેલ્લા મહિનામાં પણ મેદાન પર લડાઈને લઈ વિવાદ થયો. ફરી એકવાર આ ઝઘડાના મૂળમાં ગૌતમ ગંભીર અને તેની સામે વિવાદોનો પર્યાય એસ શ્રીસંત. IPL વિવાદના સાત મહિના પછી, ગંભીરનો ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સાથી એસ શ્રીસંત સાથે લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં વિવાદ થયો હતો.
