મોહમ્મદ સિરાજ
મોહમ્મદ સિરાજ ક્રિકેટની દુનિયામાં સફળતાના માર્ગ પર ઝડપથી આગળ વધ્યો હતો. ઓટોરિક્ષા ડ્રાઇવરના પુત્ર સિરાજએ 2015માં ક્રિકેટ બોલ સાથે પ્રથમ વખત બોલિંગ કરી હતી અને માત્ર બે વર્ષ બાદ 2017માં રૂ. 2.6 કરોડનો આઇપીએલ કોન્ટ્રેક્ટ મેળવી લીધો હતો. 2017માં જ ન્યૂઝીલેન્ડ સામે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટી-20 ફોર્મેટમાં પદાર્પણ કર્યુ હતુ. રણજી ટ્રોફીની તેની બીજી સીઝનમાં જ તેણે 9 મેચમાં 41 વિકેટ ઝડપી લીધી હતી. 2019માં વનડે ક્રિકેટમાં અને 2020માં ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે જ તેણે બંને ફોર્મેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. 2023ના એશિયા કપની ફાઇનલમાં સિરાજે તરખાટ મચાવ્યો હતો અને 21 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. શ્રીલંકા 50 રનમાં ઓલઆઉટ થઇ હતી અને ભારતીય ટીમે 10 વિકેટથી જીત મેળવી એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. સિરાજ જાન્યુઆરી 2023 અને માર્ચ 2023 વચ્ચે વનડે ક્રિકેટના બોલરની રેન્કિંગમાં પ્રથમ ક્રમ પર હતો.