ICC Annual Ranking 2024 : ટીમ ઈન્ડિયા ODI-T20માં નંબર 1 બની, આ ટીમ ટેસ્ટમાં ટોપ પર
ICC દ્વારા વાર્ષિક રેન્કિંગ 2024ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ટીમ ઈન્ડિયાએ બે ફોર્મેટમાં ટોપ રેન્ક મેળવવામાં સફળ રહી છે. ભારતીય ટીમ ODI અને T20માં નંબર 1 બની ગઈ છે જ્યારે ટેસ્ટમાં ભારતને બીજું સ્થાન મળ્યું છે અને ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં હરાવનાર ટીમે ટેસ્ટ ફોર્મેટમાં ટોપ રેન્કિંગ મેળવ્યું છે.

ICCએ તેની વાર્ષિક રેન્કિંગ જાહેર કરી છે. મોટા સમાચાર એ છે કે ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને હરાવીને નંબર 1 ટેસ્ટ ટીમ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ગત વર્ષે ટીમ ઈન્ડિયા નંબર 1 પર હતી પરંતુ હવે ઓસ્ટ્રેલિયા આ ફોર્મેટમાં ટોપ પર છે.

તમને જણાવી દઈએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ટાઈટલ મેચ 209 રનના વિશાળ અંતરથી જીતી લીધી હતી. આ જીત બાદ ઓસ્ટ્રેલિયાના રેટિંગ પોઈન્ટ વધીને 124 થઈ ગયા છે અને તે ટીમ ઈન્ડિયાથી 4 પોઈન્ટ આગળ થઈ ગયા છે. ઈંગ્લેન્ડની ટીમ 105 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે.

જોકે, વનડે અને T20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત છે. વનડેમાં ભારતીય ટીમ 122 પોઈન્ટ સાથે ટોપ પર છે. ઓસ્ટ્રેલિયા 116 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

ટીમ ઈન્ડિયાના T20માં 264 રેટિંગ પોઈન્ટ છે અને વાર્ષિક રેન્કિંગમાં તે નંબર 1 છે. ઓસ્ટ્રેલિયા 257 પોઈન્ટ સાથે બીજા અને ઈંગ્લેન્ડ 252 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

T20 વર્લ્ડ કપ 2024 પહેલા નંબર 1 બની રહેલી ટીમ ઈન્ડિયા તેના ખેલાડીઓ અને પ્રશંસકોનું મનોબળ વધારવા જઈ રહી છે. આશા છે કે ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ જીતવામાં સફળ રહેશે.
