Lilva Kachori Recipe : શિયાળામાં ઘરે જ બનાવો ગરમા ગરમ લીલવાની કચોરી, જુઓ તસવીરો
શિયાળો આવે લીલવાની કચોરી ખાવાની ઈચ્છા થતી હોય છે. પરંતુ કેટલીક વાર બજાર જેવી કચોરી ઘરે બનતી નથી. તો આજે પણ આપણે જાણીશું કે કેવી રીત ઘરે સરળતાથી લીલવાની કચોરી ઘરે બનાવી શકાય છે.

લીલવા કચોરી ઘરે બનાવવા માટે મેંદો, ઘી, મીંઠુ સ્વાદનુસાર, લીલા તુવેરના દાણા, કોથમીર, વટાણા, મરચાંની પેસ્ટ, જીરું, સફેદ તલ, હિંગ, ખાંડ, લીંબુનો રસ સહિતની સામગ્રીની જરુર પડશે.

લીલી તુવેર અને વટાણાને બરાબર ધોઈને મિક્સરમાં કરકરા વાટી લો. ત્યારબાદ પૂરણ બનાવવા માટે એક વાસણમાં તેલ ગરમ મુકો. તેમાં જીરું, તલ, હિંગ નાખી આદુ મરચાંની પેસ્ટ અને લીલી તુવેર અને વટાણાની પેસ્ટ ઉમેરી બરાબર સાંતળી લો. હવે મીઠું, ખાંડ અને ગરમ મસાલો ઉમેરી થોડું વધુ સાંતળો. છેલ્લે કોથમીર ઉમેરી આંચ બંધ કરી લો.

લોટમાં ઘી, મીઠું ઉમેરી નરમ લોટ બાંધો અને થોડીક વાર માટે ઢાંકીને રાખી દો. કચોરીનું પુરણ ઠંડુ થાય એટલે તેના નાના ગોળા તૈયાર કરી લો. ત્યારબાદ લોટના એકસરખા લુઆ બનાવી લો.

નાની પૂરી વણી લો. તેમાં પૂરણનો ગોળો મુકી તેને બધી બાજુથી બંધ કરી કચોરી તૈયાર કરો. આ રીતે બધી કચોરી તૈયાર કરી લો. હવે એકને પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઈ જાય એટલે ધીમી આંચ કરી કચોરીને તળી લો.

હવે કચોરી બંન્ને બાજુથી ગોલ્ડન થાય એટલે તેને બહાર કાઢી લો. તમે ગરમા ગરમ કચોરીને ચા સાથે પીરસી શકો છો. આ સાથે જ તેને 1-2 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો.
