નેપાળ આપત્તિમાં ચીનનો મોટો ખેલ! સાચો આંકડો લખનારને સીધી જેલની ધમકી? કેમ ચીન સાચો આંકડો છુપાવી રહ્યું છે?
શું ચીન નેપાળ સરહદે થયેલી તબાહીને દુનિયાથી છુપાવી રહ્યું છે? સરકારી ચોપડે માત્ર 16 મોત, પરંતુ સ્થાનિક દાવાઓ મુજબ સેંકડો લોકો ગાયબ છે! જે પણ સોશિયલ મીડિયા પર આંકડા મૂકે છે, ચીનની પોલીસ તેની સામે કાર્યવાહી કરી રહી છે. જાણો શું છે આખો મામલો.

નેપાળ સરહદ નજીક આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલન પછી ચીને ફરી એકવાર એ જ રસ્તો અપનાવ્યો છે જે વર્ષ 2020 માં વુહાનમાં કોરોના મહામારીના શરૂઆતના દિવસોમાં અપનાવ્યો હતો. તે સમયે જેમ સાચું બોલનારા ડૉક્ટરો અને નાગરિકોને 'અફવા' ફેલાવવાના નામે ચૂપ કરવામાં આવ્યા હતા, તે જ રીતે આ આપત્તિ વખતે પણ માહિતીના પ્રસાર પર સંપૂર્ણપણે બ્લેકઆઉટ લાદી દેવામાં આવ્યો છે.

નેપાળ સરહદ નજીક આવેલા ગિરોંગ (Girong Port) વિસ્તારમાં ભારે મડસ્લાઇડ અને પૂરે મચાવેલી તબાહીની ભયાનક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પરથી ચીની એજન્સીઓ દ્વારા ઝડપથી ડિલીટ કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા શેર કરવામાં આવેલી વિડીયો ક્લિપ્સ ગાયબ થઈ રહી છે, જ્યારે સરકારી મીડિયા માત્ર બચાવ કામગીરીના પસંદગીના અને સકારાત્મક ફોટો જ દર્શાવી રહ્યું છે.

ચીની સરકારી મીડિયા મુજબ આ દુર્ઘટનામાં માત્ર 16 લોકોના જ મોત થયા છે. જોકે, સ્થાનિક અહેવાલો મુજબ ઘટનાના બીજા જ દિવસે 100 થી વધુ ચીની નાગરિકો ગુમ હોવાની માહિતી બહાર આવી હતી. સરહદી વિસ્તારમાં થયેલી આટલી મોટી આપત્તિમાં માત્ર 16 મોતનો આંકડો વાસ્તવિકતાથી ખુબ દૂર અને અવાસ્તવિક લાગી રહ્યો છે.

વૈશ્વિક સ્તરે પોતાની ઈમેજ સાચવવા માટે ચીન આ આપત્તિના વિડીયો કે માહિતી બહાર જવા દેવા માગતું નથી. જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર સરકારી ચોપડે નોંધાયેલા આંકડાથી અલગ માહિતી કે મૃત્યુઆંક પોસ્ટ કરે છે, તો ચીનની સાયબર સિક્યોરિટી પોલીસ તેની સામે તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરીને જેલમાં ધકેલી રહી છે.

ચીનના સાયબર સુરક્ષા કાયદા અનુસાર, આપત્તિ કે દુર્ઘટના અંગે જાણી જોઈને અફવા કે અલગ આંકડા ફેલાવવા બદલ 10 દિવસ સુધીની કસ્ટડી અને 1000 યુઆન સુધીનો દંડ થઈ શકે છે. જો કોઈ કેસને ચીની સત્તાવાળાઓ દ્વારા 'ગંભીર' ગણવામાં આવે, તો તે વ્યક્તિને 3 થી 7 વર્ષ સુધીની કઠોર જેલની સજા પણ થઈ શકે છે.

ચીનની સાયબર પોલીસે 'Q' નામના એક ઈન્ટરનેટ યુઝર પર એડમિનિસ્ટ્રેટિવ દંડ ફટકાર્યો છે. આ યુઝરે ઓનલાઈન પ્લેટફોર્મ પર લખ્યું હતું કે "સમાચારોમાં 1,400 લોકો માર્યા ગયાનું કહેવાય છે, પરંતુ વાસ્તવમાં 3,000 થી વધુ લોકો ગુમ થઈ ચૂક્યા છે." ચીની પોલીસે આ માહિતીને પાયાવિહોણી અફવા ગણાવીને યુઝર સામે સકંજો કસ્યો હતો.

અન્ય એક કિસ્સામાં 'Liu' નામના યુઝરે 3,000 થી વધુ મોતોનો દાવો કર્યો હતો, જેને પોલીસે ઝૂઠ ગણાવીને દંડ કર્યો હતો. આ સિવાય 'Zhang' નામના યુઝરે પોસ્ટ કરી હતી કે ઘટનાસ્થળે 1000 થી વધુ મજૂરો, કન્સ્ટ્રક્શન વર્કર્સ અને પ્રવાસીઓ હાજર હતા જેઓ પૂરના પાણીમાં તણાઈ ગયા છે. પોલીસે આ તમામ વિગતોને અફવા ગણાવી કડક કાર્યવાહી કરી છે.

નેપાળ બોર્ડર નજીક આવેલા હિમાલયી વિસ્તારો ચીન માટે રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ ગણાય છે. આ વિસ્તારમાં બનતી કોઈ પણ મોટી દુર્ઘટના કે આપત્તિ ચીનની સરકારની નીતિઓ, તેમની સરહદી સુરક્ષા વ્યવસ્થા અને ત્યાં ચાલી રહેલા વિકાસ કાર્યો પર સીધા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરે છે, જેને દબાવવા માટે સેન્સરશિપનો સહારો લેવાય છે.

હિમાલયન રીજનમાં ચીન જે રીતે મોટા મોટા બંધ (Dams) અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ બનાવી રહ્યું છે, તે આપત્તિનું મોટું કારણ હોવાનું માનવામાં આવે છે. ચીન નથી ઈચ્છતું કે આ આપત્તિ બાદ તેના બંધોનું કોઈ આંતરરાષ્ટ્રીય ઓડિટ થાય. આથી તે આખા પૂરની જવાબદારી નેપાળ તરફ ઢોળીને પોતાની ઈમેજ બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ચીન સરકારના આ માહિતી નિયંત્રણ અને અત્યાધિક સેન્સરશિપના કારણે સૌથી મોટી મુશ્કેલી એ નાગરિકોને પડી રહી છે જેના સગા-સંબંધિઓ તે સમયે સરહદી વિસ્તારમાં હાજર હતા. સાચી માહિતી અને લાઈવ અપડેટ્સ ગાયબ હોવાથી પરિવારજનો પોતાના સ્વજનો જીવિત છે કે નહીં તે જાણવા માટે ભારે ચિંતામાં મુકાયા છે.
શું હવે મોબાઈલ થઈ જશે ગાયબ? માર્કેટમાં આવ્યા SIM વાળા AI ઈયરબડ્સ, સ્માર્ટફોન વિના જ થશે કોલિંગ!
