Breaking News : ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, હવે રસ્તા-પુલ સહિતના કામોના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરવી પડશે
Important decision of Gujarat government : નક્કી કરાયેલી સમયમર્યાદામાં દરખાસ્તનો નિકાલ નહીં થાય તો સંબંધિત કક્ષાએ વિલંબના કારણોની નોંધ કરવામાં આવશે અને જવાબદાર અધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત, અધૂરી દરખાસ્તને કારણે વિલંબ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી દરખાસ્ત રજૂ કરનાર કક્ષાની રહેશે.

Gandhinagar News : રાજ્યમાં માર્ગ, પુલ અને સરકારી મકાનો સહિતના વિકાસ અને બાંધકામના કામોને વધુ ઝડપથી પૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે માર્ગ અને મકાન વિભાગના કામો માટે ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે. અત્યાર સુધી ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા માટે સામાન્ય રીતે 120 દિવસનો સમયગાળો ધ્યાને લેવામાં આવતો હતો. હવે આ પ્રક્રિયામાં બિનજરૂરી વિલંબ ન થાય તે માટે મહત્તમ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
બે પ્રકારના ટેન્ડર માટે અલગ સમયમર્યાદા
જે ટેન્ડરમાં ઇજારદારોની પૂર્વ પાત્રતાની જોગવાઈ નથી અને માત્ર ફાઇનાન્સિયલ બિડ હોય છે, તેની પ્રક્રિયા ક્ષેત્રીય કચેરીથી લઈને સચિવાલય અને નાણા વિભાગ સુધી મહત્તમ 51 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. જ્યારે ઇજારદારોની પૂર્વ પાત્રતાની જોગવાઈ ધરાવતા ટેન્ડરમાં ટેક્નિકલ અને ફાઇનાન્સિયલ એમ બે બિડ હોય છે. આવા ટેન્ડરની તમામ સ્તરે ચકાસણી સહિતની સમગ્ર પ્રક્રિયા મહત્તમ 66 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે.
ટેન્ડરની વેલિડિટી પણ ઘટાડવામાં આવી
સરકારે ટેન્ડરની માન્યતા એટલે કે Tender Validityનો સમયગાળો પણ ઘટાડ્યો છે. અગાઉ ટેન્ડરની માન્યતા 120 દિવસની હતી, જેને હવે ઘટાડીને 90 દિવસ કરવામાં આવી છે.
વાટાઘાટો માટે પણ નવા નિયમો
નિયમ મુજબ બહોળી પ્રસિદ્ધિ આપ્યા બાદ એકથી વધુ ટેન્ડર મળ્યા હોય તેવા કિસ્સામાં અનિવાર્ય સંજોગો સિવાય વાટાઘાટો (Negotiation) ટાળવાની રહેશે. જો વાટાઘાટો કરવી જરૂરી બને તો તે માત્ર એક જ સ્તરે એટલે કે સક્ષમ સત્તાધિકારીની કક્ષાએ પૂર્ણ કરવાની રહેશે. એકથી વધુ સ્તરે વાટાઘાટો કરી શકાશે નહીં.
વિલંબ માટે જવાબદારી નક્કી થશે
નક્કી કરાયેલી સમયમર્યાદામાં દરખાસ્તનો નિકાલ નહીં થાય તો સંબંધિત કક્ષાએ વિલંબના કારણોની નોંધ કરવામાં આવશે અને જવાબદાર અધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત, અધૂરી દરખાસ્તને કારણે વિલંબ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી દરખાસ્ત રજૂ કરનાર કક્ષાની રહેશે.
સરકારના જણાવ્યા મુજબ, આ નિર્ણયથી રાજ્યમાં રસ્તા, પુલ અને સરકારી મકાનો સહિતના પાયાના માળખાકીય પ્રોજેક્ટ્સની મંજૂરી પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે. સાથે જ વિકાસ કામો સમયસર શરૂ થઈ શકશે અને પ્રજાજનોને વિવિધ સુવિધાઓનો લાભ વહેલો મળી શકશે.