રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી થાય છે સજા
સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ધક્કામુક્કીમાં ભાજપના બે સાંસદ ઘાયલ થયા હતા. ત્યારે આ મામલે ભાજપે હવે રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસ હેઠળ ફરિયાદ દાખલ કરાવી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ કેસમાં કેટલી સજા થાય છે.

ભીમરાવ આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઈને આજે સંસદ સંકુલમાં દેખાવો થઈ રહ્યા હતા. આ દરમિયાન ધક્કામુક્કી પણ થઈ હતી જેમાં ભાજપના સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત ઘાયલ થયા હતા.

હવે આ મામલે અનુરાગ ઠાકુર અને બાંસુરી સ્વરાજ સહિત NDAના ત્રણ સાંસદોએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી છે. રાહુલ ગાંધી પર ઇરાદાપૂર્વક શારીરિક હુમલો કરવાનો આરોપ લગાવાયો છે.

રાહુલ ગાંધી સામે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 109, 115, 117, 125, 131 અને 351 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હત્યાના પ્રયાસ પર કલમ 109 લગાવવામાં આવી છે. ત્યારે જાણી લઈએ કે કેસમાં કેટલી સજા થઈ શકે છે ?

ભાજપે દિલ્હી પોલીસમાં ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 109 એટલે કે હત્યાના પ્રયાસ હેઠળ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તમને જણાવી દઈએ કે આ કલમ હેઠળ નોંધાયેલા કેસ ખૂબ જ ગંભીર ગણાય છે.

જો આ કલમ હેઠળ કરાયેલા આક્ષેપો સાબિત થાય તો આવી સ્થિતિમાં 10 વર્ષ સુધીની સજા અને દંડ બંનેની જોગવાઈ છે. જો આ પ્રકારના કિસ્સામાં પીડિતને ગંભીર ઈજા થાય છે. તો આ સજાને આજીવન કેદ અને દંડમાં ફેરવી શકાય છે.

તમને જણાવી દઈએ કે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 109 કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર છે. મતલબ કે આ અંતર્ગત જો કોઈની ધરપકડ કરવામાં આવે તો તેને જામીન મળી શકે નહીં.

































































