બેંક ખાતું 10 વર્ષથી બંધ છે? ગભરાશો નહીં, તેને આ રીતે કરો Reactivate
ડોર્મન્ટ બેંક એકાઉન્ટ એટલે કે, જેમાં 10 વર્ષ સુધી કોઈ ટ્રાન્ઝેક્શન થયેલું ન હોય. તેને ફરી શરૂ કરવા માટે ગ્રાહકે બેંક શાખામાં જઈને KYC અપડેટ કરાવવું પડે છે અને એક નાનું ટ્રાન્ઝેક્શન કરવું પડે છે.

જો તમારું બેંક એકાઉન્ટ લાંબા સમયથી વપરાયું નથી, તો તે 'ડોર્મન્ટ' એટલે કે ઈનએક્ટિવ થઈ જાય છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નિયમો મુજબ, જો કોઈ બેંક એકાઉન્ટમાં 10 વર્ષ સુધી ગ્રાહક તરફથી કોઈ ટ્રાન્ઝેક્શન ન થાય, તો બેંક તેને 'ડોર્મન્ટ' કેટેગરીમાં મૂકી દે છે. તેમાં સેવિંગ, કરન્ટ એકાઉન્ટ અને એવા ફિક્સ્ડ ડિપોઝિટ્સ પણ આવે છે, જે મેચ્યોર થયા પછી પણ પડ્યા રહે છે. આવું થવાથી એકાઉન્ટમાંથી પૈસા કાઢવા, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા જેવી ઘણી સર્વિસીસ બંધ થઈ જાય છે.

ઈનએક્ટિવ ખાતાને ફરીથી એક્ટિવ કરવા માટેનું પ્રથમ પગલું એ છે કે, તમારું KYC અપડેટ કરવું. આ કરવા માટે તમારે બેંકની હોમ બ્રાન્ચની મુલાકાત લેવી પડશે અને તમારું આધાર, PAN, તાજેતરનો ફોટો તેમજ સરનામાનો પુરાવો લાવવો પડશે.

બેંક તમારી ઓળખ અને દસ્તાવેજોની ચકાસણી કરે છે અને પછી ફરીથી Reactivation Request સબમિટ કરે છે. ક્યારેક બેંક તમને 100 રૂપિયા જમા કરાવવા અથવા ઉપાડવા જેવા નાના વ્યવહાર કરવાનું કહે છે, જેથી ગ્રાહકની પ્રવૃત્તિ રેકોર્ડ કરી શકાય.

RBI એ સ્પષ્ટપણે કહ્યું છે કે, બેંકો 'ડોર્મન્ટ' ખાતા માટે કોઈ શુલ્ક વસૂલ કરી શકતી નથી. જો કે, એકાઉન્ટ ફરીથી એક્ટિવ થયા પછી SMS ચાર્જ, મિનિમમ બેલેન્સ પેનલ્ટી અથવા ચેકબુક ચાર્જ જેવા સર્વિસ શુલ્ક લાગુ થઈ શકે છે. ઘણા ગ્રાહકોના દસ્તાવેજો જૂના થઈ ગયા હોવાથી, મોબાઈલ નંબર બદલાઈ ગયા હોવાથી અથવા સહી મેળ ખાતી ન હોવાથી આ પ્રક્રિયામાં થોડા દિવસો લાગી શકે છે.

જો બેંકે 10 વર્ષ પછી તમારું બેલેન્સ RBI ના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ (DEAF) માં ટ્રાન્સફર કર્યું હોય, તો પણ તમારા પૈસા સુરક્ષિત રહે છે. એકાઉન્ટ Reactivate થયા બાદ તમે બેંક મારફતે RBI પાસે ક્લેમ કરી શકો છો. આ પ્રક્રિયા સૌથી લાંબી હોય છે, કારણ કે તેમાં તમારા જૂના રેકોર્ડ, સહી અને ઓળખની વિગતવાર તપાસ કરવામાં આવે છે.

RBI ના નિયમો અનુસાર, ડોર્મન્ટ ખાતા માટે ફિઝિકલ વેરિફિકેશન જરૂરી છે. આથી, તમારે શાખાની મુલાકાત લઈને પ્રક્રિયા શરૂ કરવી જોઈએ.
આ પણ વાંચો: પાસ્તા પર 107% ટેરિફ? વૈશ્વિક બજારોમાં ચિંતાનો માહોલ, શું આ દેશ ટ્રમ્પના આક્રમક પગલાનો ભાર સહન કરી શકશે?
