તમે Paytm સાથે કોઈ પણ રીતે જોડાયેલા છો? ન્યૂઝ પેપરના પહેલા પેજ પર આવ્યા તમારા માટે કામના સમાચાર
Paytm ના શેરની વાત કરીએ તો છેલ્લા બે ટ્રેડિંગ સેશન દરમિયાન શેરના ભાવમાં અપર સર્કિટ લાગી છે. આજે શેર 5 ટકા અથવા 17.05 રૂપિયાના વધારા સાથે 358.35 રૂપિયાના સ્તર પર બંધ થયા હતા. 31 જાન્યુઆરીએ આરબીઆઈની કાર્યવાહી બાદ પેટીએમના શેરમાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો હતો.

ફિનટેક ફર્મ Paytm હાલ સતત સમાચારોમાં છવાયેલી છે. કંપની માટે બે રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંકે Paytm પેમેન્ટ્સ બેંક, Paytm ની બેંકિંગ શાખા પર પ્રતિબંધની સમય મર્યાદા 29 ફેબ્રુઆરી 2024 થી વધારીને 15 માર્ચ કરી છે. તેથી પેટીએમને વધારે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ગ્રાહકો આ તારીખ સુધી વોલેટ, એકાઉન્ટ, FASTag અને અન્ય Paytm બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરી શકશે.

આ ઉપરાંત મીડિયા રિપોર્ટ અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફ ઇન્ડિયા દ્વારા Paytm પેમેન્ટ્સ બેંકમાં સંભવિત વિદેશી વિનિમય ભંગની તપાસમાં હજુ સુધી કોઈ ઉલ્લંઘન બહાર આવ્યું નથી. ED એ ગયા અઠવાડિયે, ડિજિટલ પેમેન્ટ્સ ફર્મ પેટીએમની સહયોગી પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા વિદેશી વ્યવહારોની તપાસ શરૂ કરી હતી.

આ બધા વચ્ચે આજે 19 ફેબ્રુઆરીના રોજ Paytm દ્વારા ન્યૂઝ પેપરના ફ્રન્ટ પેજ પર એક જાહેરાત આપવામાં આવી છે. આ જાહેરાત એ તમામ લોકો માટે જાણવી જરૂરી છે જેઓ વેપારી કે સામાન્ય લોકો છે, જે પેટીએમનો ઉપયોગ કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના તમામ Paytm QR અને સાઉન્ડ બોક્સ કામ કરવાનું ચાલુ રાખશે. આજે, આવતીકાલે અને હંમેશા.

તેનો મતલબ એ છે કે જો તમે Paytm QR દ્વારા કોઈ પણ જગ્યાએ નાણાની ચૂકવણી કરો છો તો તે કરી શકો છો. જો તમે વેપારી છો તો પણ તમે કોઈપણ ગ્રાહક પાસેથી પેમેન્ટ સ્વીકારી શકો છો. Paytm સાઉન્ડ બોક્સની સંખ્યા જુલાઈ 2023 ના ડેટા અનુસાર 82 લાખ છે.

જો આપણે Paytm ના શેરની વાત કરીએ તો છેલ્લા બે ટ્રેડિંગ સેશન દરમિયાન શેરના ભાવમાં અપર સર્કિટ લાગી છે. આજે શેર 5 ટકા અથવા 17.05 રૂપિયાના વધારા સાથે 358.35 રૂપિયાના સ્તર પર બંધ થયા હતા. 31 જાન્યુઆરીએ આરબીઆઈની કાર્યવાહી બાદ પેટીએમના શેરમાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો હતો.
