ગણતંત્ર દિવસ
ગણતંત્ર દિવસ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. જે દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ વર્ષે 2024માં ભારતનો 75મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વર્ષ 2024 માટે મુખ્ય અતિથિ છે. 26 જાન્યુઆરી 1950 માં, ભારત સરકાર અધિનિયમ (1935) ને દૂર કરીને ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. તે ભારતના ત્રણ રાષ્ટ્રીય પર્વમાંનુ એક છે.
26 નવેમ્બર 1949 ના રોજ ભારતીય બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યું હતું અને સ્વતંત્ર પ્રજાસત્તાક બનવા અને દેશમાં કાયદાનું શાસન સ્થાપિત કરવા 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું હતું. તેના અમલીકરણ માટે 26મી જાન્યુઆરીની તારીખ પસંદ કરવામાં આવી હતી કારણ કે આ દિવસે 1930માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભારતને પૂર્ણ સ્વરાજ તરીકે જાહેર કર્યું હતું.
પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રાષ્ટ્રને સંબોધિત કરે છે. શાળા, કોલેજો વગેરેમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિ દિલ્હીમાં રાજપથ પર ભારતીય ધ્વજ ફરકાવે છે. કર્તવ્યપથ પર શાનદાર પરેડ યોજાય છે. જેમાં વિવિધ રાજ્યો અને સરકારી વિભાગોની ઝાંખીઓ હોય છે. 26 જાન્યુઆરીની પરેડ જોવા માટે દેશના ખૂણે-ખૂણેથી લોકો દિલ્હી આવે છે. ભારતીય સેનાના હથિયારો પ્રદર્શિત કરવામાં આવે છે.