Breaking News: અમદાવાદમાં 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, હર્ષ સંઘવીએ ગુજરાતના વિકાસની દિશા દર્શાવી
પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાન, પરેડ અને માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ સાયબર ફ્રોડ, ડ્રગ્સ અવેરનેસ અને માર્ગ સુરક્ષા અંગેના ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા યોગા, લોકનૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા.
અમદાવાદના મકરબા સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ભવ્ય રીતે યોજાઈ હતી. કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય પર્વની ઉજવણીના સંબોધનમાં હર્ષ સંઘવીએ ગુજરાતની સિદ્ધિઓને વધાવતા કહ્યું હતું કે “ગુજરાત આજે નોકરી માંગનાર નહીં પરંતુ, નોકરી આપનાર બન્યું છે. અમદાવાદ અન્ય શહેરોને માર્ગદર્શક બન્યું છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પહેલાં સાણંદને લોકો ઉજ્જડ જમીન માટે ઓળખતા. પરંતુ આજે તે દેશ-દુનિયાનું સેમીકંડક્ટર હબ બનવા જઈ રહ્યું છે. આત્મનિર્ભર ભારતમાં તેનું મજબૂત યોગદાન છે. તો વર્ષ 2027 સુધી તે વિશ્વનું સૌથી મોટું મોટરસાઈકલ ઉત્પાદન કેન્દ્ર બનશે.
પોલીસકર્મીઓની ઉત્તમ કામગીરી બદલ સન્માન પત્ર એનાયત કર્યા
હર્ષ સંઘવીએ અમદાવાદના ઐતિહાસિક યોગદાનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે દાંડી કૂચથી લઈને સાબરમતી આશ્રમ સુધી આ નગરી સ્વતંત્ર સંગ્રામનું કેન્દ્ર રહી છે. તેમણે કહ્યુ અમદાવાદ જિલ્લાના ધોલેરા, સાણંદ, વિરમગામ, માંડલ સહિતના સ્થળ આજે વિકાસનું કેન્દ્ર બન્યા છે.” તેમણે જણાવ્યું હતું કે ખંભાતની ખાડી પર આકાર પામેલું ધોલેરા વિશ્વનું સૌથી મોટું ઈન્ડસ્ટ્રિયલ હબ બનવા જઈ રહ્યું છે.સાથે જ તેમણે સેમિકન્ડક્ટર, ઓટો મેન્યુફેક્ચરિંગ, પોર્ટ ડેવલપમેન્ટ અને પ્રવાસન ક્ષેત્રે ગુજરાત વૈશ્વિક સ્તરે આગવી ઓળખ ઉભી કરી રહ્યું હોવાનું જણાવ્યું. અંતે જિલ્લા પોલીસકર્મીઓની ઉત્તમ કામગીરી બદલ સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આવનારો સમયમાં વધુ હાઇટેક બનશે
આ અવસરે હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ગુજરાતની ધરતીએ દેશને અનેક બંધારણ ઘડવૈયાઓ આપ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંધારણના આદર્શોને વિકાસમાં રૂપાંતરિત કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે ગુજરાત પોલીસ આવનારા સમયમાં વધુ હાઇટેક બનશે અને રાજ્ય દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય બની રહ્યું છે.
ડ્રગ્સ અવેરનેસ અને માર્ગ સુરક્ષા અંગેના ટેબ્લો રજૂ કર્યા
પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાન, પરેડ અને માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ સાયબર ફ્રોડ, ડ્રગ્સ અવેરનેસ અને માર્ગ સુરક્ષા અંગેના ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા યોગા, લોકનૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા.
