140 વર્ષ જૂનો કોન્સેપ્ટ આવ્યો પાછો : હવે ઘરમાં AC લગાવવાની જરૂર નહીં ! આખો દેશ અંડરગ્રાઉન્ડ પાઇપથી થઈ રહ્યો છે ઠંડો
શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે ભયંકર ગરમી હોય છતાં ઘરમાં AC ચાલુ ન કરવું પડે? સિંગાપોરે આ સપનાને હકીકત કરી બતાવ્યું છે! જમીનની અંદર 5 કિલોમીટર લાંબી પાઇપો નાખીને આખા શહેરને એર-કંડિશન્ડ બનાવવાની તૈયારી ચાલી રહી છે. જાણો શું છે આ 'District Cooling Project' અને ભારત જેવા દેશો માટે આ કેમ જરૂરી છે!

દુનિયાભરમાં જ્યારે ગરમીનો પારો 40 થી 45 ડિગ્રીએ પહોંચી રહ્યો છે, ત્યારે એશિયાના એક દેશે એવી ટેકનોલોજી પર કામ શરૂ કર્યું છે કે લોકોને પોતાના ઘરમાં પર્સનલ AC લગાવવાની જરૂર જ નહીં પડે. આખો દેશ સેન્ટ્રલાઈઝ્ડ સિસ્ટમથી ઠંડો રાખવામાં આવશે.

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર, સિંગાપોરના ઉત્તર-પૂર્વીય જિલ્લા 'પુંગગોલ' (Punggol) ની જમીન નીચે 5 કિલોમીટર લાંબો મેટલ પાઈપોનો મોટો મોટો જાળીદાર પ્લાન્ટ બિછાવવામાં આવ્યો છે. જે ઉપર બનેલી ઓફિસો અને ક્લાસરૂમને ઠંડા રાખશે.

તમને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ નવી ટેકનોલોજી નથી, પરંતુ 140 વર્ષ જૂનો કોન્સેપ્ટ છે, જેને 'ડિસ્ટ્રિક્ટ કૂલિંગ' (District Cooling) કહેવાય છે. તે સામાન્ય સેન્ટ્રલાઈઝ્ડ AC કરતાં ખૂબ જ ઓછી વીજળી વાપરે છે અને પર્યાવરણને નુકસાન પણ નથી કરતું.

આ સિસ્ટમમાં જમીનની અંદર બિછાવેલી પાઈપો દ્વારા સતત ઠંડુ પાણી પંપ કરવામાં આવે છે. આ પાણી ઈમારતોની ગરમીને શોષી લે છે અને આસપાસના વાતાવરણને એકદમ ઠંડુ અને આહલાદક બનાવી દે છે.

સિંગાપોરે અત્યાર સુધીમાં પોતાના 8 જેટલા વિસ્તારોની નીચે આવી પાઈપો બિછાવી દીધી છે. આમાં સિંગાપોરનું 'મરીના બે નેટવર્ક' (Marina Bay Network) દુનિયાની સૌથી મોટી અંડરગ્રાઉન્ડ કૂલિંગ સિસ્ટમ છે, જે વર્ષ 2006થી સફળતાપૂર્વક ચાલી રહી છે.

સિંગાપોર પાસે કુદરતી સંસાધનોની ભારે અછત છે અને તેણે પોતાની જરૂરિયાતની મોટાભાગની એનર્જી બહારથી આયાત કરવી પડે છે. યુએસ-ઈરાન તણાવ અને આગામી 'અલ નીનો' (El Nino) ના કારણે ઊર્જા સંકટ વધવાની આશંકા છે, તેથી આ પ્રોજેક્ટ તેમના માટે ગેમ-ચેન્જર સાબિત થશે.

નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરના પ્રોફેસર લી પોહ સેંગના જણાવ્યા અનુસાર, ઝડપી શહેરીકરણ, હીટ સ્ટ્રેસ અને કોમર્શિયલ બિલ્ડિંગો વધવાના કારણે સમગ્ર સાઉથ-ઈસ્ટ એશિયામાં કૂલિંગની ડિમાન્ડ રેકોર્ડ સ્તરે વધી રહી છે, અને ડિસ્ટ્રિક્ટ કૂલિંગ જ ભવિષ્યનો એકમાત્ર સચોટ ઉપાય છે.
દુનિયામાં મોટાભાગના લોકો કેમ છે 'રાઇટ હેન્ડેડ'? વૈજ્ઞાનિકોએ જણાવ્યું મગજનું ચોંકાવનારું કનેક્શન!, વાંચવા માટે અહીં ક્લિક કરો
